વિજયાદશમી એટલે કે દશેરા (Dussehra 2021)નો તહેવાર. વિજયાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. આ શ્રીરામની રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ. આસો સુદ દસમના દિવસે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવે છે. વિજયાદશમી (Vijyadashami 2021) શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે- બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. દુર્જન વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ વ્યર્થ વિવાદ અને ચર્ચામાં કરે છે.
ધનનો ઉપયોગ અહંકારના દેખાવમાં, બળનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવામાં કરે છે. તેનાથી વિપરિત સદાચારી વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિ, બીજાની સેવામાં અને પોતાના ધનનો ઉપયોગ સારા કામ કરવા માટે કરે છે. આ રીતે શક્તિ માણસમાં કર્મ, ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે અને સારી શક્તિઓની દુષ્ટ શક્તિ પર વિજયના પ્રતિક રૂપે દશેરા ઉજવવામાં આવે છે.
દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે “રામલીલા” ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.
હિંદુ ધર્મમાં બધા જ સમાજ અને બધી જ જાતિઓ માટે દશેરાના તહેવારને મહત્ત્વનો ગણાવવામાં આવ્યો છે. આજના આ આર્ટિકલમાં આપણે જાણીશું કે દશેરાની ઉજવણી પાછળ કઈ ઘટનાઓ અને ક્યાં પ્રસંગો છે જે આ તહેવારને આટલો ખાસ બનાવે છે. દશેરાના પર્વની ઉજવણી પાછળ મુખ્ય બે કારણો છે.
આદ્યશક્તિનો પર્વ નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રી પૂરાં 9 દિવસો સુધી ઉજવાય છે. આ પર્વમાં માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. તમે જાણતા જ હશો કે આ સમયે માતા દુર્ગાએ મહિષાસુરને માર્યો હતો. કહેવાય છે કે માતા દુર્ગાની ઉત્તપ્તિ મહિષાસુરને મારવા માટે જ થઈ હતી. મહિષાસુરે જ્યારે સ્વર્ગ અને પૃથ્વીલોક પર હાહાકાર મચાવ્યો ત્યારે દેવોએ મહિષાસુરના વિનાશ માટે માતા દુર્ગાનું સર્જન કર્યુ.
મહિષાસુરને વરદાન મળેલું હતુ કે તેને કોઈ મનુષ્ય મારી શકતો નથી, પરિણામે બ્રહ્મદેવે આદ્યશક્તિનું સર્જન કર્યુ અને માતા દુર્ગાને આકાર આપ્યો. માતા દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરી તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ અને દસમાં દિવસે તેનો સંહાર કર્યો. આ દિવસના ઉપલક્ષ્યે હિંદુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા મનાવે છે. દસમો દિવસ ‘વિજ્યાદશમી’ના નામે ઓળખાય છે. જે ખરાબ શક્તિ પર દેવીની શક્તિની જીત છે.
દશેરાનની ઉજવણી પાછળ ઘણી એલગ એલગ વાર્તાઓ અને કથાઓ છે પણ ભગવાન શ્રીરામ દ્વારા રાવણનું વધએ સૌથી જાણીતી કથા અને દશેરા ઉજવવાનું કારણ છે. રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું ત્યાર બાદ ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચે ઘણું લાંબુ યુધ્ધ ચાલ્યું અને અંતે ભગવાને અહંકારી અસુર રાવણનો વધ કર્યો અને ધરતીને તેના અત્યાચારોથી મુક્ત કરી હતી.
કહેવાય છે કે ભગવાન શ્રીરામની રાવણ પર વિજયનો દિવસ આસો સુદ દસમ હતી તેથી દિવસને અસત્ય અને અહંકાર પર સત્યની વિજયના પ્રતિકરૂપે દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ બે કારણોને લઈને દશેરાનો તહેવાર આટલું મહત્વ ધરાવે છે.