અફઘાનિસ્તાન ની એક શિયા મુસ્લિમોની મસ્જિદ ઉપર આત્મઘાતી હુમલો, ૩૭ લોકો મૃત્યુ પામ્યા

અફઘાનિસ્તાનના કંધારમાં એક શિયા મુસ્લિમોની મસ્જિદ ઉપર આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ૩૭નાં મોત થયા હતાં અને ૭૦ કરતાં વધુ લોકોને ઈજા પહોંચી હતી. એમાંથી ઘણા ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનું અહેવાલોમાં કહેવાયું હતું. બીજી તરફ કાબુલના ગુરૃ દ્વારામાં તાલિબાની આતંકવાદીઓએ બળજબરીથી ઘૂસીને લઘુમતી શીખ સમાજને ધમકાવ્યો હતો.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. લઘુમતીઓ ઉપર અત્યાચાર વધ્યા છે. શિયા-સુન્ની વચ્ચે પણ સંઘર્ષ વધતો જાય છે. શિયા મુસ્લિમોની મસ્જિદમાં અસંખ્ય લોકો શુક્રવારની નમાઝ અદા કરતા હતા ત્યારે એમાં આત્મઘાતી હુમલો થયો હતો. ઈમામ બર્ગા નામની મસ્જિદમાં આ હુમલો થયો હતો. આ હુમલો આઈએસના આતંકીઓએ કર્યો હોવાનું કહેવાય છે.
હુમલાના સાક્ષી રહેલા લોકોએ કહ્યું હતું કે ચાર આતંકવાદીઓ મસ્જિદમાં ઘૂસ્યા હતા. એમાંથી બે આત્મઘાતી હુમલાખોરોએ મસ્જિદના દરવાજા પાસે જ વિસ્ફોટ કર્યો હતો. બાકીના બે આતંકીઓ મસ્જિદમાં ઘૂસી ગયા હતા અને નમાઝ અદા કરી રહેલાં લોકો કંઈ સમજે કે વિચારે તે પહેલાં જ ભયાનક વિસ્ફોટ થયો હતો. ઘટના સ્થળે ખૂબ જ દર્દનાક દૃશ્યો સર્જાયા હતા.

મીડિયા અહેવાલો પ્રમાણે એ મસ્જિદ શિયા મુસ્લિમોમાં ખૂબ જ પવિત્ર હોવાથી શુક્રવારની નમાઝ માટે ત્યાં ઓછામાં ઓછાં ૫૦૦ જેટલાં લોકો એકઠા થયા હતા. તાલિબાનના પ્રવક્તાએ આ અંગે કહ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તાલિબાની સરકારે ઘટના સ્થળે તુરંત બંધોબસ્ત ગોઠવ્યો હતો.

બીજી એક ઘટનામાં તાલિબાનોએ પણ લઘુમતીઓ ઉપર ત્રાસ વર્તાવ્યો હતો. કાબુલમાં આવેલા એક ગુરૃદ્વારામાં તાલિબાની આતંકવાદીઓ શસ્ત્રો સાથે બળજબરીથી ઘૂસી આવ્યા હતા. ત્યાં હાજર શીખ સમુદાયના લોકોને તાલિબાની આતંકવાદીઓએ ધમકાવ્યા હતા. આ અંગેની જાણકારી ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનિત સિંહે આપી હતી. તેમણે કહ્યું હતું કે આ અમારા પવિત્ર ધર્મસ્થળને અપવિત્ર કરનારી ઘટના હતી. શસ્ત્રો સાથે ઘૂસીને અમારા પવિત્ર સ્થળમાં પ્રવેશવું બિલકુલ યોગ્ય નથી. આસપાસના વિસ્તારોમાં પણ તાલિબાની આતંકીઓએ આવી રીતે ઘૂસણખોરી કરીને લોકોને ધમકાવવાની કોશિશ કરી હોવાની ફરિયાદ ઉઠી હતી. અફઘાનિસ્તાનના શીખ સમુદાયે ભારત સરકારને આ અંગે અફઘાનિસ્તાનની સરકાર સમક્ષ રજૂઆત કરવાની વિનંતી કરી છે.

તાલિબાની આતંકવાદીઓના ત્રાસથી બચવા માટે મહિલા ફૂટબોલ ટીમે કતારમાં શરણુ લીધું છે. કતારના ડેપ્યુટી વિદેશ મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીઓ અને તેમનો પરિવાર અફઘાનિસ્તાનમાંથી કતાર આવી પહોંચ્યો છે. તેમને કતારમાં આશ્રય આપવામાં આવ્યો છે. અહેવાલો પ્રમાણે અંદાજે ૧૦૦ ખેલાડીઓ અને તેમના પરિવારે તાલિબાનના ત્રાસથી અફઘાનિસ્તાન છોડી દીધું છે. જોકે, આ ખેલાડીઓને કતાર ક્યાં સુધી આશરો આપવામાં આવશે તે બાબતે કોઈ સ્પષ્ટતા થઈ ન હતી. સરકારે કહ્યું હતું કે અમે ફિફા સાથે સંપર્કમાં છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *