શનિવારે દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક બાદ રાહુલ ગાંધીને (Rahul Gandhi) અધ્યક્ષની ખુરશી પર બેસાડવાની માગ ફરી એકવાર ઉગ્ર બની છે. આ વખતે રાહુલના નામનો પ્રસ્તાવ યુથ કોંગ્રેસ તરફથી નહીં, પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તરફથી આવ્યો છે.
CWC ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આ વખતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી આગામી વર્ષે 21 ઓગસ્ટ 2022 થી 28 સપ્ટેમ્બર 2022 વચ્ચે યોજાશે. CWC ની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લખીમપુર હિંસા, ખેડૂતોનું આંદોલન, વધતી જતી મોંઘવારીથી વિદેશ નીતિ સુધી ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજકીય, આર્થિક અને ખેડૂતો પર થયેલા તાજેતરના હુમલાઓ અંગે ત્રણ ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા.
બેઠક પછી સાંજે, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે CWC ના તમામ સભ્યોને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે. આ બેઠકમાં એ વાત પર પણ સહમતિ સધાઈ છે કે સોનિયા ગાંધીએ આવતા વર્ષે ચૂંટણી સુધી પ્રમુખ પદ સંભાળવું જોઈએ.
રાહુલે પાર્ટી અધ્યક્ષ પદ ગ્રહણ કરવા વિશે શું કહ્યું?
કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું કે CWC ના ઘણા સાથીઓએ ફરી એકવાર રાહુલ ગાંધીનું નામ આગળ કર્યું અને કહ્યું કે તેમણે આગળ આવીને પાર્ટીનું નેતૃત્વ કરવું જોઈએ. જો કોંગ્રેસની વાત માનીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ અધ્યક્ષ પદ સંભાળવા પર વિચાર કરશે.
સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોત ઉપરાંત પંજાબના મુખ્યમંત્રીએ પણ CWC બેઠકમાં રાહુલના નામની ભલામણ કરી હતી. આ સિવાય પૂર્વ સંરક્ષણ મંત્રી એકે એન્ટોની સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષનું પદ પાછું લેવાની વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 2019 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન અપેક્ષા કરતા ખરાબ રહ્યું હતું. આ પછી, રાહુલે હારની જવાબદારી લેતા કોંગ્રેસના પદ પરથી રાજીનામું આપ્યું. 2017 માં રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યું. વરિષ્ઠ નેતાઓએ પણ રાહુલને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા. વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી કોંગ્રેસના વચગાળાના વડા તરીકે પદ સંભાળી રહ્યા છે. તેમણે બે દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યું છે