ફાયનાન્શિયલ ટાઇમ્સ: ચીને અંતરિક્ષમાંથી હાઇપરસોનિક પરમાણુ મિસાઇલનું પરિક્ષણ કર્યુ

ગત ઓગસ્ટમાં સમગ્ર વિશ્વને અંધારામાં રાખી અંતરિક્ષમાંથી હાઇપરસોનિક પરમાણુ મિસાઇલનું ચીને પરિક્ષણ કર્યુ છે. બ્રિટીશ અખબાર ફાયનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ પરમાણુ હથિયારથી સજ્જ મિસાઇલને અંતરિક્ષની નીચલી કક્ષામાં રાખવામાં આવી હતી.

અહેવાલ પ્રમાણે આ પરિક્ષણ સંપૂર્ણ સફળ નહોતું રહ્યું પરંતુ ચીનના આ મોટા પગલાં વિશે અમેરિકાને પણ કોઇ જાણકારી નહોતી. જેનાં કારણે અત્યારે અમેરિકા સહિતના દેશોની ગુપ્તચર સંસ્થાઓ આશ્ચર્યમાં છે.

અહેવાલમાં આ દરેક મિસાઇલ પરિક્ષણની જાહેરાત કરતા ચીને આ પરિક્ષણને ખૂબ જ ગુપ્ત રાખ્યું હતું અને પરિક્ષણને સંપૂર્ણ સફળતા પણ મળી નહોતી કારણ કે મિસાઇલ તેના નિર્ધારિત નિશાનથઈ 32 કિલોમીટર દૂર ત્રાટકી હતી.

અમેરિકન રક્ષા મંત્રાલયના પ્રવક્તા જોન કિર્બીનું કહેવું છે કે તેઓ આ અહેવાલ વિશે કોઇ ટિપ્પણી કે પ્રતિક્રિયા આપવા માગતા નથી. જો કે તેમણે એટલું કહ્યું છે કે ચીનની સૈન્ય ક્ષમતાઓ અંગે સતત ચિંતાઓ વ્યક્ત થઇ રહી છે. જેના કારણે વિશ્વના વિવિધ વિસ્તારોમાં સમસ્યાઓ અને ચિંતાઓ વધશે. આ કારણોસર જ અમેરિકા ચીનને પ્રથમ ક્રમાંકનો પડકાર માને છે.

ચીન ઉપરાંત અમેરિકા, રશિયા અને અન્ય સાત દેશો પણ હાઇપરસોનિક પરમાણુ મિસાઇલો પર કામ કરી રહ્યા છે. હાઇપરસોનિક મિસાઇલોની બાબતમાં રશિયા અત્યારે સૌથી આગળ છે. હાઇપરસોનિક મિસાઇલો અન્ય મિસાઇલોની જેમ જ પરમાણુ હથિયારોનું વહન કરે છે પરંતુ તેની ગતિ ધ્વનિની ગતિથી પાંચ ગણી વધારે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *