ગયા વર્ષે કોરોના મહામારીના લીધે મનાઈ હોવાથી બે વર્ષ બાદ ઈદ-એ-મિલાદ ઉન નબીની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. આખા ગુજરતમાં અનેક જિલ્લાઓમાં ઈદ નિમિતે જુલૂસ સાથે ઈદની ઉજવણી કરાઇ હતી. મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરાના તાંદળજા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ જુલુસમાં ભાગ લીધો હતો. પંચમહાલના ગોધરામાં પણ રાજમાર્ગો પર જુલૂસ નીકળ્યું હતું અને હુસેની ચોક સુધી ફર્યું હતું. તો કચ્છના પાટનગર ભુજમાં જુલૂસ સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કર્યો યોજાયા હતા.
ઈદે મિલાદ ઉન-નબીનું મહત્વ
ઈદ મિલાદ-ઉન-નબીને પેગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આખી રાત બંદગી કરવામાં આવે છે અને જુદા જુદા સ્થળોએથી જુલૂસ પણ કાઢવામાં આવે છે. ઈદે મિલાદ-ઉન-નબીના પ્રસંગે ઘર અને મસ્જિદ શણગારવામાં આવે છે અને મોહમ્મદ સાહેબના સંદેશા વાંચવામાં આવે છે. હઝરત મોહમ્મદનો એક જ સંદેશ હતો કે માનવતામાં માનનાર જ મહાન છે. આ દિવસે લોકો ગરીબોને દાન પણ આપે છે. એવું માનવામાં આવે છે કે, ઈદ મિલાદ-ઉન-નબીના દિવસે અલ્લાહ દાન અને જકાતથી ખુશ થાય છે.