ઓરિસ્સામાં પૈસા માટે પત્નીને વેચવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાલાંગિર જિલ્લાના બેલપડામાં ૧૭ વર્ષના સગીર રાજેશ રાણાએ ૧ લાખ ૮૦ હજારમાં તેની પત્ની રાજસ્થાનના એક ૫૫ વર્ષના વ્યક્તિને વેચી દીધી હતી.
બંનેના લગ્ન આ મહિને જુલાઈમાં જ થયા હતા. પતિએ આર્થિક સ્થિતિ ખરાબ હોવાની વાત કહીને પત્નીને ઓગસ્ટમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માટે રાજી કરી લીધી હતી. બંને રાયપુરના રસ્તે ઝાંસી પહોંચ્યા હતા. રાજેશે બધા પૈસા સ્માર્ટફોન ખરીદવા અને ખાવામાં ખર્ચ કરી દીધા હતા. ત્યારપછી તે પોતાના ગામ પહોંચ્યો અને તેણે પત્ની ભાગી ગઈ હોવાની વાત બધાને જણાવી હતી.
મહિલાના પરિવારજનોએ રાજેશની વાત માનવાની ના પાડી દીધી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોલ રેકોર્ડ કઢાવ્યો તો તેમને રાજેશની વાત ખોટી હોય તેવું લાગ્યું હતું. કડક રીતે પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે તેણે તેની પત્ની વેચી દીધી છે. ત્યારપછી બાલાંગિર પોલીસની એક ટીમ બારાં પહોંચી હતી અને મહિલાને છોડાવી હતી. પોલીસે 17 વર્ષના રાજેશને બાળ સુધાર ગૃહ મોકલી દીધો છે. જ્યારે મહિલાને તેના માતા-પિતા પાસે મોકલી દીધી છે.