ફુદીનાનાં પાનમાં ઘણી ઓછી કેલેરી હોય છે અને સાથે જ તેમાં પ્રોટિન અને ફેટની માત્રા પણ ઓછી હોય છે. તેમાંથી વિટામીન એ, સી અને બી-કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં મળે છે, જે ત્વચાને નિખારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ફુદીનાનાં પાનનો અન્ય આરોગ્યલક્ષી લાભ એ છે કે, તેમાં આયર્ન, પોટેશિયમ અને મેંગેનિઝ જેવાં ખનીજ તત્વો પુષ્કળ પ્રમાણમાં રહેલાં હોય છે, જે હેમોગ્લોબિન વધારે છે અને મસ્તિષ્કની કામગીરી સુધારે છે.
- પાચનક્રિયા માટે ઉપયોગી – ફુદીનો એન્ટિઓક્સિડન્ટ્સ, મેન્થોલ અને ફિટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે, જે એન્ઝાઇમ્સને ખોરાકનું પાચન કરવામાં મદદ પૂરી પાડે છે. ફુદીનામાં રહેલાં એસેન્શઇયલ ઓઇલ્સ તીવ્ર એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક અસરો ધરાવે છે, જે પેટના ખેંચાણને શાંત કરે છે અને એસિડિટી તથા પેટ ફૂલવા જેવી સમસ્યાઓમાં રાહત પહોંચાડે છે.
- અસ્થમાની સારવારમાં ઉપયોગી – ફુદીનાનું નિયમિતપણે સેવન કરવાથી છાતીમાં થયેલો ભરાવો હળવો થઇ શકે છે. ફુદીનામાં રહેલું મિથેનોલ ડિકન્જેસ્ટન્ટ (શરદી-ખાંસીની દવા) તરીકે કામ કરે છે. તે ફેફસાંમાં ભરાયેલા કફને પાતળો કરવામાં સહાયરૂપ બને છે. વળી તે નાકમાં ફુલાઇ ગયેલા મેમ્બ્રેન્સ (પટલ)નું સંકુચન કરે છે, જેના કારણે વ્યક્તિ સરળતાથી શ્વાસ લઇ શકે છે. ફુદીનાનો ઉપયોગ કરતી વખતે તેનું અતિશય સેવન ન થાય, તે ધ્યાન રાખવું જરૂરી છે, અન્યથા વ્યક્તિના શ્વસન માર્ગમાં બળતરા થાય છે.
- માથાનો દુખાવો દૂર કરે – ફુદીનામાં રહેલું મેન્થોલ સ્નાયુઓને હળવા કરવામાં અને દુખાવો દૂર કરવામાં મદદ પૂરી પાડે છે. કપાળ પર અને લમણા ઉપર ફુદીનાનો રસ લગાવવાથી માથાના દુખાવામાંથી રાહત મળે છે. આ ઉપરાંત ફુદીનાનો બેઝ ધરાવતી બામ કે ફુદીનાનું તેલ પણ માથાનો દુખાવો દૂર કરવા માટે અસરકારક છે.
- ત્વચાને તંદુરસ્ત બનાવે – ફુદીનામાં એન્ટિ-ઇન્ફ્લામેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો રહેલા છે, જે ત્વચામાં થતા ખીલ અને ફોલ્લીઓની સારવાર કરવામાં મદદરૂપ બને છે. ફુદીનાનાં પાનમાં ઘણી ઊંચી માત્રામાં સેલિસાઇલિક એસિડ રહેલો હોય છે, જે ખીલ મટાડવાનું કામ કરે છે. સાથે જ તે અસરકારક સ્કીન ક્લિન્ઝરની પણ ગરજ સારે છે. ફુદીનામાં રહેલાં એન્ટિ-ઓક્સિડન્ટ ગુણોને કારણે તે ત્વચામાંથી ફ્રી-રેડિકલ્સ હટાવે છે અને તમારી ત્વચા સ્વચ્છ અને યુવાન બને છે. આ સિવાય ફુદીનો ત્વચાની નરમાશને જાળવી રાખે છે, મૃત કોશોને દૂર કરે છે, ત્વચાનાં છિદ્રોમાં રહેલો કચરો હટાવે છે, જેના કારણે ત્વચા ચમકદાર દેખાય છે.
- મોંની સંભાળ – ફુદીનાનાં પાન ચાવવાથી મુખની સ્વચ્છતા અને દાંતની તંદુરસ્તીમાં સુધારો થાય છે. ફુદીનામાં રહેલાં એસેન્શિયલ ઓઇલ્સને કારણે મોંની દુર્ગંધમાંથી છૂટકારો મળે છે. વળી, પિપરમિન્ટ ઓઇલ ધરાવતા માઉથવોશનો ઉપયોગ કરવાથી મોંમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વ્યક્તિનાં પેઢાં અને દાંત તંદુરસ્ત બને છે.
- વજન ઘટાડવામાં મદદરૂપ – ફુદીનો સુગંધિત ઔષધિ છે, જે તમને વજન ઘટાડવામાં સહાયરૂપ બની શકે છે. ફુદીનાનાં એસેન્શિયલ ઓઇલ્સ પિત્તનો પ્રવાહ વધારવા માટે પાચક એન્ઝાઇમ્સને ઉદ્દીપ્ત કરે છે અને પાચનક્રિયાને વેગ આપે છે. સાથે જ તે ખોરાકમાંથી મળતાં પોષક તત્વો શોષવાની ક્રિયાને બહેતર બનાવવામાં પણ મદદરૂપ થાય છે. જ્યારે શરીર પોષક તત્વોને સ્વીકારીને યોગ્ય રીતે તેને શોષવા માટે સક્ષમ બને, ત્યારે વ્યક્તિની ચયાપચયની ક્રિયામાં વધારો થાય છે. ચયાપચયમાં વધારો થતાં વજન ઘટે છે.
- શરદીનો ઉપચાર કરે – જો તમને શરદી થઇ હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, તો ફુદીનો તે માટેનો શ્રેષ્ઠ ઇલાજ છે. મોટાભાગની બામ અને ઇનહેલર્સમાં ફુદીનો રહેલો હોય છે. ફુદીનો કુદરતી રીતે જ નાક, ગળા, બ્રોન્કાઇ અને ફેફસામાં થયેલા ભરાવાને સાફ કરે છે. શ્વસન માર્ગ ઉપરાંત, ફુદીનો જૂની ખાંસીને કારણે થતી બળતરામાં પણ રાહત આપે છે.