દ્વિચક્રી વાહનોની ઝડપ ચાર વર્ષ સુધીના બાળકોને મોટર સાયકલ પર પાછળ બેસાડીને લઇ જતી વખતે 40 કિમી પ્રતિ કલાકથી વધારે ન હોવી જોઇએ તેમ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે જણાવ્યું છે.
મંત્રાલયે રજૂ કરેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં એ પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે દ્વિચક્રી વાહનચાલક એ પણ સુનિશ્ચિત કરશે કે પાછળ બેસનારા 9 મહિનાથી લઇને ચાર વર્ષ સુધીના બાળકને ક્રેશ હેલ્મેટ પહેરાવવામાં આવે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ચાર વર્ષ સુધીના બાળકે પોતાની સાથે બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવામાં આવે. ગ્લોબલ રોડ સેફ્ટી બોડી ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન(આઇઆરએફ)એ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના આ પ્રસ્તાવનું સ્વાગત કર્યુ છે.