વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી લોકસભાની બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારનો ૫૧૨૬૯ મતથી ઐતિહાસિક વિજય થયો છે. મોહન ડેલકરના અપમૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર તેમના ધર્મપત્નીએ શિવસેના તરફથી ચૂંટણી લડ્યા હતા.
જ્યારે ભાજપે મોહન ડેલકરના એકસમયના સમર્થક એવા જીલ્લા પંચાયતમાં માજી ઉપપ્રમુખને ટિકિટ આપી મોટો દાવ રમ્યો હતો. આ ચૂંટણીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હીથી નેતાઓ મેદાને ઉતર્યા છતાં ભાજપને શરમજનક હાર મળતાં અટલ ભવન પર સન્નાટો છાયો હતો. પ્રથમ રાઉન્ડમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સરસાઈ મેળવ્યા બાદ છેલ્લા રાઉન્ડ સુધી આગેકૂચ જારી રાખી હતી.
ભાજપ શરૂઆતથી શિવસેનાથી ખૂબજ પાછળ રહેતા આગેવાનો અને કાર્યકરોમાં એકદમ સોપો પડી ગયો હતો. મતગણતરીના તમામ રાઉન્ડમાં કલાબેન ડેલકર આગળ રહ્યા હતા. મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થતાં જાહેર થયેલા પરિણામમાં કલાબેન ડેલકર ૧૧૮૦૩૫ મત સામે ભાજપના મહેશ ગાંવિત ૬૬૭૬૬ મતનો કારમો પરાજય થયો હતો.
જયારે કોંગ્રેસના મહેશ ધોડીને ૬૧૫૦ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગણેશ ભૂજાડાને માત્ર ૧૭૮૨ મત તથા નોટામાં ૫૫૩૭ મત પડયા હતા.પ્રતિષ્ઠા અને ખરાખરીના જંગમાં મતદારોએ શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરને ખોબેખોબે મતો આપતા ભાજપની ભુંડી હાર થઇ હતી. ઐતિહાસિક જીત મેળવનારા ડેલકર પરિવારના કલાબેન પહેલા મહિલા સાંસદ બન્યા છે.
દાદરાનગર હવેલીમાં વર્ષ ૧૯૬૭થી અત્યાર સુધીમાં લોકસભા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સૌથી વધુ ૫૧૨૬૯ મતોની સરસાઈ મેળવી એક નવો રેકોર્ડ યોજ્યો હતો.