દિવાળીના તહેવાર પહેલાં કેન્દ્ર સરકારે જુદી જુદી સરકારી ઓફિસોમાં પડી રહેલાં ભંગારને વેચી અધધ રૂ. ૪૦ કરોડ જેવી રકમ ઉભી કરી હતી અને તેની સાથે 8 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી કરી હતી.
આફતને અવસરમાં કેવી રીતે ફેરવી નાંખવી તે હાલની કેન્દ્ર સરકાર ખુબ સારી રીતે જાણે છે. મોદી સરકારે સરકારી ભંગાર વેચી રૂપિયા ઉભા કરી ફરીથી તે વાતને પૂરવાર કરી આપી હતી.
સરકારી કચેરીઓની સાફ-સફાઇનું અભિયાન ગત ૨ ઓક્ટોબરથી લઇ ૩૧ ઓક્ટોબર સુધી ચાલ્યું હતું. એક મહિના સુધી ચાલેલા આ અભિયાન પૂર્ણ થયા બાદ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર પ્રસાદે આ માહિતી આપી હતી. તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ અભિયાન દરમ્યાન ૧૫,૨૩,૪૬૪ જેટલી ફાઇલો જોવામાં આવી હતી, તેમાંથી ૧૩,૭૩,૨૦૪ ફાઇલો ઉપયોગી હોવાનું જણાયું હતું અને બાકીની ફાઇલો બિનઉપયોગી હોઇ તેને પસ્તીમાં વેચી દેવામાં આવી હતી. આ દરમ્યાન ૩,૨૮,૨૦૪ જેટલી ફાઇલોને ધ્યાનથી જોવામાં આવી હતી, તેમા કરાયેલી રજૂઆતોને સાંભળવામાં આવી હતી અને તે પૈકી ૨,૯૧,૬૯૨ ફાઇલોનો ઉકેલ લાવી દેવામાં આવ્યો હતો. આ અભિયાન દરમ્યાન ૮૩૪ પૈકી ૬૮૫ નિયમોને સરળ બનાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાયોજિત સુચારૂ અને સરળ વ્યવસ્થા યોજના અંતર્ગત વડાપ્રધાનના આદેશ અનુસાર વર્ષોથી બાકી રહેલા કેસોનો ઉકેલ લાવવા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનના કારણે સામાન્ય પ્રજા અને સરકારી વ્યવસ્થા એમ બંનેને લાભ થશે તેમ જિતેન્દ્ર સિંઘે કહ્યું હતું.
આવતા એક અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રોગ્રેસ રિપોર્ટ સુપરત કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. આ અભિયાનની વિશેષ સિદ્ધિ ગણાવતા જિતેન્દ્ર સિંઘે કહ્યું હતું કે સરકારી કચેરીઓમાં સાફસફાઇ કરીને 8 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી કરવામાં આવી છે અને આટલી જગ્યામાં રાષ્ટ્રપતિભવન જેટલી ચાર ઇમારતો ઉભી થઇ શકે તેમ છે કેમ કે રાષ્ટ્રપતિભવનનો ફ્લોર એરિયા ૨ લાખ ચોરસ ફૂટનો છે.