નાના બાળકોમાં સોફ્ટ દારુખાના તરીકે ઓળખાતી સ્નેક ટીકડીમાંથી નિકળતો ધૂમાડો ૪૬૨ સિગારેટ પીવા બરાબર થાય છે. તેની આસપાસ ૨૫૮૦ આંક જેટલું પ્રદૂષણ ફેલાય છે. દારુખાનાના કારણે નિકળતો ધૂમાડો, જીવજંતુ અને વનસ્પતિને ખરાબ અસર કરે છે. ઇન્ડિયા સ્પેન્ડના અહેવાલ અનુસાર એક ફૂલઝડી સળગાવવાથી ૭૪ સિગારેટ પીવા જેટલું નુકસાન થાય છે. જયારે હજાર ટેટા ધરાવતી એક લૂમ ફોડવાથી ૪૬૪ સિગારેટ ફૂંકવા જેટલું વાયુ પ્રદૂષણ છે.
નાઇટ્રોજન ડાયોકસાઇડ, સલ્ફર ડાયોકસાઇડ અને કાર્બન ડાયોકસાઇડ જેવા હાનીકારક પ્રદૂષકોથી દમ અને બ્રોન્કાઇટિંસ જેવી શ્વાસ સંબંધીત બીમારી થાય છે. તેમાં તાંબા, કેડેનિયમ, સીસા, મેગ્નેશિયમ,જસત અને સોડિયમ જેવા ઘટકોના કારણે ફટાકડા ફોડવાથી ઝેરી વાયુઓ હવામાં ફેલાય છે. દિવસમાં અવાજના પ્રદૂષણનું માપ ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ હોય તે જરુરી છે. માણસો તથા પ્રાણી ૭૦ ડેસિબલ સુધીનો અવાજ સહન કરી શકે છે. એક નાની લવિંગ્યા ફટાકડાની લૂમનું પ્રદૂષણ ૩૪ સિગારેટ પીવા જેટલું થાય છે.
આનંદની ક્ષણોમાં ફટાકડા ફોડવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે પરંતુ કેમિકલ્સના વધતા જતા પ્રયોગો પછી જોખમ વધતા જાય છે. કૌટીલ્યના અર્થશાસ્ત્રમાં અગ્નિ ચૂર્ણનું વર્ણન છે જે ઝડપથી આગ પકડે છે. આ ચૂર્ણને પાઇપમાં નાખવાથી ફટાકડો બની જાય છે. મોગલોના જમાનામાં દિવાળી તહેવારના ચિત્રોમાં દારુખાનું જોવા મળે છે. ઇસ ૧૨૭૦માં સિરીયાના રસાયણશાસ્ત્રી હસન અલ રમ્માહના પુસ્તકમાં પ્રથમ વાર ઉલ્લેખ થયો હતો.જેમાં બારુદને ગરમ પાણીમાં શુદ્ધ કરીને વધુ વિસ્ફોટ બનાવવાની વાત કહી હતી.