ભાઈબીજ પર સ્નાન સાથે લોકો ધાર્મિક વિધિ કરતા હોય છે. તો બીજી તરફ વેકેશન હોવાથી ટુરિસ્ટ પણ બહોળી સંખ્યામાં આવતા હોય. આ બાબતોને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને કોરોના સંક્રમણ ફેલાવવાની શકયતા ઓછી રહે, તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ અશોક શર્માએ તા. 6/11 ના રોજ સવારે 5 થી રાત્રે 10 સુધી માધવપુર કોસ્ટલ હાઇવેનો માધવપુરથી પાતા ગામના પાટિયા સુધીનો પોરબંદર તરફ જતો રસ્તો એકમાર્ગીય જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે માધવપુરમાં દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી સહિત સજા થઈ શકે છે.
પોરબંદરના માધવપુર દરિયાકિનારે ભાઈબીજના દિવસે પવિત્ર સ્નાનનું ઘણુ માહત્મય હોય છે. પરંતુ ચાલુ વર્ષે જીલ્લા કલેક્ટરે 3થી6 નવેમ્બર સુધી પવિત્ર સ્નાન પર રોક લગાવી દીધી છે. દર વર્ષે ભાઈબીજના દિવસે માધવરાયના સાનિધ્યમાં પવિત્ર સ્નાન યોજાય છે, જેનો હજારો શ્રદ્ધાળુઓ લાભ લેતા હોય છે. પરંતુ આ વર્ષે ભાઈબીજના દિવસે પવિત્ર સ્નાન કરવાની પરવાનગી ન મળતા ભક્તો નિરાશ થયા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સહીત અનેક લોકો આ પવિત્ર સ્નાન કરવા માટે માધવરાય બિચ પર આવતા હોય છે. પરંતુ આ વર્ષે તંત્રએ રોક લગાવતા લોકો નારાજ થયા છે.