રાજસ્થાનના બાડમેરમાં બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૦થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. બસ બાલોતરાથી જોધપુર તરફ જઇ રહી હતી. આ દરમિયાન ભાંડિયાવાસ ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થવાથી બસમાં જોરદાર આગ લાગી હતી. આ આગ લાગવાને કારણે ૧૨ લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા છે. બસમાં હજી પણ મુસાફરો ફસાયા હોવાનું સામે આવ્યું છે . ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.બસની અંદર ૨૫ મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત થતાં જ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાં સવાર કેટલાક મુસાફરો બસના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ૧૦ લોકોને બસમાંથી બહાર નીકળ્યા હતા. આ અકસ્માત સર્જાતા હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે.
બસમાં સવાર મુસાફરના જણાવ્યા અનુસાર, બસ ૯:૫૫ વાગે બાલાતોરાથી રવાના થઈ હતી. આ દરમિયાન સામેથી રોન્ગ સાઈડમાં આવી રહેલા એક ટ્રેલરે બસને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે મીનિટોમાં જ બસ આગની જપેટ આવી ગઈ હતી અને બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આ અકસ્માતમાં બસમાંથી ૧૦ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
રાજસ્મુથાનના CM અશોક ગેહલોતે દુખ વ્યક્ત કર્યું
આ અકસ્માત બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, બાડમેરમાં સર્જાયેલ અકસ્માત બાબતે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરીને તેમને રાહત અને બચાવ કાર્યો બાબતના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.