વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના મેદાનમાં ગેંગરેપ બાદ વિદ્યાર્થિનીએ કરેલા આપઘાત કેસમાં ગત મોડી રાત્રે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને કેસ અંગેની માહિતી મેળવી હતી. તે ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે પીડિત યુવતી જ્યાં રહેતી હતી એ ફ્લેટમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ૧૬ નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા અને સાવલીની મુલાકાતે આવવાના છે તે પહેલાં પોલીસ આ કેસનો પર્દાફાશ કરે એવી શક્યતા છે.
પોલીસની ટીમોએ ઓએસિસ સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સિન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછતાછ કરી રહી છે. પોલીસ દ્વારા આ વિસ્તારના ૧૧૩ જેટલા સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ બસચાલકે એક કાકા જેમણે પીડિતાને ઓળખતા હોવાનું જણાવ્યું હતું, તે કોણ છે, તેની તપાસ કરાતાં તે સિક્યોરિટી ગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધી કુલ ૫૦૦થી વધુ CCTV ચેક કર્યા છે, જેમાંથી એક CCTVમાં બે નરાધમો ભાગતા દેખાયા હતા. આ બે નરાધમોને શોધવા રાજ્યની ૫ એજન્સી કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ અને FSLની ટીમ રવિવારે વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચી ડોગ-સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી હતી. રેલવે IG સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તથા યુવતીની કપડાં ભરેલી બેગ પણ ઘટનાસ્થળે લાવવામાં આવી હતી. એક ફૂટેજમાં બે આરોપી ભાગતા દેખાયા હતા. પીડિતાની સાઇકલ હજી ગાયબ છે.
વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના ડી-૧૨ નંબરના કોચમાં ગળાફાંસો ખાઇ નવસારીની અને વડોદરામાં રહેતી ૧૮ વર્ષની વિદ્યાર્થીએ ૪ નવેમ્બરના રોજ આપઘાત કર્યા બાદ પોલીસ તપાસમાં તેની ડાયરી મળી હતી. વિદ્યાર્થીની ની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી, જેમાં તે પર શહેરના દિવાળીપુરા પાસે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના મેદાનમાં બે રિક્ષાચલકોએ ગેંગરેપ આચર્યો હોવાની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ બાદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે દુષ્કર્મ આચરાયું એ સ્થળ પરથી પુરાવા એકઠા કરવા માટે FSLની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ અનુસાર આંતરિક ભાગોમાં ઇંજાનાં નિશાન હોવાનું જણાવાયું હતું.