પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપુર પહોચી એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. આ અવસરે યુપીના CM યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીરામના મંદિરના મોડલની ભેટ આપી હતી.આ કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં હતા. વડાપ્રધાન મોદીએ બપોરે ૧ વાગે અને ૫૫ મિનિટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગીએ સંબોધન કરતાં ‘જય હિન્દ’ અને ‘જય જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જે ધરતી પર હનુમાનજીએ કાલનેમિને માર્યો હતો, તે ધરતીના લોકોનાં હું ચરણ સ્પર્શ કરું છું અહીંની માટીમાં આઝાદીની લડાઈની સુગંધ આવે છે. આ પવિત્ર ભૂમિને આજે પૂર્વાંચલ એક્સપ્રેસની ભેટ મળી છે, જેનો તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા. PM મોદીએ કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાં જ્યારે મેં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે મેં વિચાર્યું નહોતું કે આ જ એક્સપ્રેસ પર હું વિમાન દ્વારા પણ ઊતરીશ. આ પૂર્વાંચલ એક્સપ્રેસ-વે યુપીના વિકાસનો એક્સપ્રેસ-વે છે. તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ એક્સપ્રેસ-વે યુપીનું ગૌરવ છે. આ યુપીની અજાયબી છે. યુપીના લોકો માટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે સમર્પિત કરી હું ધન્યતા અનુભવું છું. ઉત્તરપ્રદેશમાં જે રીતે રાજનીતિ થઈ છે, યુપીમાં અગાઉની સરકારોએ યુપીના વિકાસ તરફ ધ્યાન આપ્યું નહીં. તેમણે યુપીને માફિયાઓ અને ગરીબીના હવાલે કરી દીધું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે, ૩૪૦ કિમી એક્સપ્રેસ-વેની વિશેષતા માત્ર એ જ નથી કે લખનઉ, બારાબંકી, સુલતાનપુર, આંબેડકરણગાર, મઉ, આઝમગઢ અને ગાઝિપૂરને જોડાશે. તેની વિશેષતા એ છે કે લખનઉના તે શહેરોને જોડશે જેમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. આજે યુપી સરકાર યોગીજીના નેતૃત્વમાં ૨૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે, પરંતુ ભવિષ્યમાં આ એક્સપ્રેસ-વે લાખો-કરોડોના ઉદ્યોગો લાવવાનું માધ્યમ બનશે. તે ઉપરાંત PM મોદીએ જણાવ્યું કે, ૨૦૧૪ મા જ્યારે મને સેવા કરવાની તક મળી ત્યારે મે અહીના સાંસદ તરીકે મે અહીંયાની સ્થિતિઓને જીણવટભરી ચકાસી. ગરીબોને પાક્કા ઘર માળે, ગરીબોના ઘરે શૌચાલય હોય, દરેકના ઘરે વીજળીની સુવિધાઓ હોય, એવા ઘણા કામો હતા જે કરવા ખૂબ જ જરૂરી હતા. પરંતુ મને ખૂબ જ દર્દ થતું હતું કે યુપીમાં જે સરકાર હતી, તેમણે મને સાથ આપ્યો ન હતો. એટલું જ નહીં, જાહેરમાં મારી બાજુમાં ઊભા રહેવામાં પણ ડરતા હતા અને તેમને પોતાની વોટબેંક નારાજ થવાનો ડર રહેતો હતો. તેમને એટલી શરમ આવતી હતી કે કામનો હિસાબ આપવા માટે તેમની પાસે કશું જ નહતું. યુપીમાં અગાઉની સરકારે યુપીના લોકો સાથે અન્યાય કર્યો છે, તેમણે ભેદભાવ કર્યા છે, માત્ર પોતાના પરિવારનું જ હિત સાચવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે આવું કરનારાઓને યુપીના લોકો યુપીના વિકાસના રસ્તા પરથી હટાવી દેશે. તે ઉપરાંત PMએ કહ્યું કે યુપીમાં નવી મેડિકલ કોલેજો બની રહી છે, એઇમ્સ બની રહી છે, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ બની રહી છે. આજે મને પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું છે.
આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં એરફોર્સની તાકાત બતાવશે. આ યુપીનો ત્રીજો રણવે એક્સપ્રેસ-વે છે, જ્યાં ફાઇટર પ્લેન લેંડિંગ અને ટેક ઓફ કરી શકશે. આ પહેલા આગ્રા એક્સપ્રેસ-વે અને યમુના એક્સપ્રેસ-વે પર ફાઇટર જેટ ઉતરી ચૂક્યા છે. આ પહેલા સોમવારે સીએમ યોગી આદિત્યનાથે તૈયારીઓ બાબતની સમીક્ષા પણ કરી હતી. આ એક્સપ્રેસ-વે રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. ૩૦થી વધુ ફાઈટર એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટ કરશે. આ અંતર્ગત ૩.૨ કિલોમીટર લાંબી એર સ્ટ્રિપ પર C-103J હર્ક્યુલસના ઉતરાણ પછી એરક્રાફ્ટ ટચ એન્ડ ગો ઓપરેશનની તૈયારીઓ શરૂ કરશે. આ એર શો વિશ્વને સંદેશ આપશે કે ભારતે વ્યૂહાત્મક રીતે એક પગલું આગળ વધારીને એની તાકાત વધારી છે. એક્સપ્રેસ-વે બે મોરચે યુદ્ધની સ્થિતિમાં બેવડી ભૂમિકા ભજવશે. ઉત્તરીય અને પૂર્વીય સરહદોની નજીક હોવાને કારણે બંને મોરચે દુશ્મનને ખતમ કરવા માટે ફાઇટર વિમાનોનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.