બિહારમાં લખીસરાયના સિકન્દરા-શેખપુરાની પાસે એક ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસાત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૬ લોકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામનારાઓ પૈકી ૫ લોકો દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના દૂરના સંબંધી છે.આ દુર્ઘટનામાં ૪ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પિપરા ગામની પાસે NH-૩૩૩ પર મંગળવારે સવારે ૬ વાગ્યે બની હતી. ડોક્ટરના કહેવા અનુસાર, ઘાયલોની સ્થિતિ હાલ ગંભીર છે. અકસ્માતનો ભોગ બનેલામાંથી એક હરિયાણામાં ADGPના પદ પર તહેનાત સુશાંતના બનેવીના બનેવી હતા. તેમના બે ભાણા અને બે અન્ય સંબંધી પણ મૃત્યુ પામનારાઓમાં સામેલ છે. કારના ડ્રાઈવરનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ સમગ્ર દુર્ઘટનાની જાણકારી મોર્નિંગ વોક કરવા જતા લોકોએ હલસી પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસ બે કલાક પછી ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રક પર LPG ગેસ-સિલિન્ડર પણ હતાં.
મળેલ માહિતી અનુસાર, સુમોમાં સવાર તમામ ૧૦ લોકો એક જ પરિવારના હતા. તેઓ જમુઈના સગદાહા ભંદરા ગામના લાલજીત સિંહની પત્ની ગીતા દેવીના અગ્નિસંસ્કર કરીને ગામમાં પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં ગીતા દેવીના પતિ લાલજીત સિંહ, મોટો પુત્ર અમિત શેખર ઉર્ફે નેમાની સિંહ, નાનો પુત્ર રામચંદ્ર સિંહ, પુત્રી બેવી દેવી, ભાણી અનિતા દેવી અને ડ્રાઈવર પ્રીતમ કુમારનાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ૪ લોકોને સિકંદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળ પરથી મૃતદેહોને રિકવર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
લખીસરાયના એસપી સુશીલ કુમારે જણાવ્યું હતું કે, પિપરા ગામ પાસે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. NH-૩૩૩ પર મંગળવારે સવારે ટ્રક અને સૂમો ગોલ્ડ વાહનની થયેલી જબરજસ્ત ટક્કરમાં ટાટા સૂમોમાં સવાર ૧૦ લોકોમાંથી ૬ લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.