ગુજરાત સરકારની મહત્વની જાહેરાત: ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ કરનારાને કરાશે પાસા, ખાતરનું કાળાબજાર કરનાર સામે પણ કાર્યવાહી

ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજે મહત્વની જાહેરાત કરી છે. રાઘવજી પટેલે કહ્યું કે, સરકારે લાભ પાંચમથી મગફળી ખરીદીની શરુઆત થઇ ગઈ છે અને અઠવાડિયામાં મગફળી વેચનાર ખેડૂતોને ચુકવણી પણ થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ રવિપાકની સીઝનમાં ખાતર યોગ્ય પ્રમાણમાં મળી રહે એ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના પાકોમાં અતિવૃષ્ટિના કારણે ઘણું નુકસાન થયુ હતુ. જેથી ૨૩ તાલુકાના ૬૮૨ ખેડૂતો માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેનું અમલીકરણ થયુ હતુ.  અતિવૃષ્ટિના નુકસાનમાં અત્યાર સુધીમાં ૧૫૫ કરોડ રુપિયા જેટલી રકમ ખેડૂતોના ખાતામાં જમા થઇ ગઇ છે.

કૃષિ પ્રધાને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને નડતા અને ગેરરીતી કરતા કોઇપણ લોકો હશે તેની સામે પગલા લેવાની સરકારે બાંહેધરી આપી છે.  ટેકાના ભાવને લઇને કે ખાતરની કાળાબજારીને લઇને કઇપણ ફરિયાદ હશે તો ગુનેગાર સામે આવશ્યક વસ્તુની ધારા હેઠળ સાત વર્ષ સુધીની સજાની કાર્યવાહી થશે. હવેથી ટેકાના ભાવમાં ગેરરીતિ થશે તો પાસા હેઠળ કાર્યવાહી થશે. રવિ સીઝનમાં ખાતર બરાબર મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ખાતર યોગ્ય પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે કેન્દ્રમાં માગ કરી હતી. મુખ્ય પ્રધાનની ભલામણ બાદ માગણી મુજબનો જથ્થો મળી રહ્યો હોવાનું રાઘવજી પટેલે જણાવ્યુ હતુ અને રાજ્યમાં ખાતરના જથ્થાની અછત થશે તેવી ફેલાતી અફવાનું ખંડન કર્યુ હતુ. અને ખાતરનું કાળાબજાર કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *