દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને કારણે ગુજરાતના (Gujarat) પણ અનેક ભાગમાં ઠંડીનું (Winter in Gujarat) જોર વધવા લાગ્યું છે. નલિયામાં (cold wave in Naliya ) 10.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. વધતી ઠંડીની સાથે આજથી ત્રણ દિવસ માટે રાજ્યનાં અનેક વિસ્તારોમાં માવઠું (unseasonal rain) થવાની સંભાવના સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરને કારણે ભેજવાળા પવનો રાજ્યમાં રહેલા સૂકા પવનો સાથે ભળી રહ્યા છે. જેના કારણે શહેરમાં આગામી દિવસમાં વાદળછાયું વાતાવરણ સાથે માવઠું પણ પડવાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં વાદળો છવાતા ઠંડીનો પારો પણ 18થી 20 ડિગ્રી સુધી જઇ શકે છે.
20 નવેમ્બર પછી વાદળો હટતાં ઠંડીનો પારો એકાએક ગગડી શકે છે. જેના પગલે કડકડતી ઠંડીની શરૂઆત થવાની શક્યતા છે. મંગળવારે, નલિયા ઉપરાંત ચાર શહેરમાં તાપમાન 16થી નીચે નોંધાયું હતુ. જેમાં 13.4 ડિગ્રી સાથે ડીસા, 15 ડિગ્રી સાથે ગાંધીનગર અને વલસાડ, 16 ડિગ્રી સાથે ભૂજનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં શુક્રવારે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, દીવમાં વરસાગ વરસી શકે છે. જ્યારે શનિવારે દમણ, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.