રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, વાપી, જૂનાગઢ, સાબરકાંઠાન તેમજ અનેક જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. આ કમોસમી વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ચિંતા પણ વધી હતી. તો બીજી તરફ અગરિયાઓ પણ મોટી મુસીબતમાં હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
માવઠાની અસર સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં પણ જોવા મળી. તો ધાંગધ્રા અને ઝીંઝુવાડાના રણમાં (Little rann of kutch) પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાની વિગતો સામે આવી છે. ઝીંઝુવાડા નજીક આવેલા કચ્છના નાના રણમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ઘણી મોટી મુસીબત સર્જાઈ છે. વરસાદને પગલે અગરીયાઓની સ્થિતિ કફોડી બની છે. અગરિયાઓ રણમાં ફસાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે રણમાં અંદાજે પાંચ હજાર જેટલા અગરિયાઓ હોવાની શક્યતા છે.