‘INS વિશાખાપટ્ટનમ’ નૌસેનામાં સામેલ, બ્રહ્મોસ અને બરાક મિસાઈલથી સજ્જ કરાયુ

ભારતીય નૌકાદળમાં સ્વદેશી ગાઈડેડ મિસાઈલ જહાજ આઈએનએસ વિશાખાપટ્ટનમને આજે સામેલ કરવામાં આવ્યુ છે.

આ ઘાતક જહાજને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહના હસ્તે મુંબઈ ડોકયાર્ડમાં આજે નૌકાદળને સત્તાવાર રીતે સમર્પિત કરવામાં આવ્યુ હતુ.નૌકાદળની તાકાતમાં આ નવા જહાજના કારણે વધારો થયો છે.બીજી તરફ ભારતના સ્વદેશી વિમાન વાહક જહાજની પણ હાલમાં ટ્રાયલ ચાલી રહી છે.

ભારતના પ્રોજેકટ 15 બી હેઠળ INS વિશાખાપટ્ટનમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ.2015માં તેને પહેલી વખત ટ્રાયલ માટે પાણીમાં ઉતારવામાં આવ્યુ હતુ.164 મીટર લાંબા આ યુધ્ધ જહાજને હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા બાદ તેનુ વજન 7400 ટન થઈ ગયુ છે.

મઝગાંવ ડોકમાં બની રહેલા ડિસ્ટ્રોયર પ્રકારના ચાર યુધ્ધ જહાજો પૈકીનુ એક વિશાખાપટ્ટનમ છે.2011માં તેના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો.વિશાખપટ્ટનમ સહિતના ચારે જહાજોમાં સુપર સોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસ તેમજ ઈઝરાયેલની બરાક મિસાઈલ તૈનાત કરવામાં આવશે.

ચારે યુધ્ધ જહાજ માટે 35000 કરોડ રુપિયાનો ખર્ચ થશે.ડિસ્ટ્રોયર પ્રકારના યુધ્ધ જહાજો ખાસ કરીને દુશ્મન સબમરિનનો અને દુશ્મનના યુધ્ધ જહાજોનો ખાત્મો બોલાવવાનો રોલ અદા કરતા હોય છે.તે પાણીમાં રહીને જમીન પરના ટાર્ગેટ પર હુમલો કરવા માટે પણ સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *