રાજસ્થાનમાં અનેક મહિનાઓ સુધી ચાલેલી ઉથલ-પાથલ બાદ આજે નવી કેબિનેટનું શપથ ગ્રહણ યોજાવાનું છે. આ બધા વચ્ચે પ્રદેશના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કેબિનેટને લઈ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મંત્રી મંડળની નવી યાદીથી સારો મેસેજ ગયો છે.
સચિન પાયલટના કહેવા પ્રમાણે જે કમીઓ-ઉણપ હતી તે પૂરી થઈ ગઈ છે. કેબિનેટમાં ફેરબદલને લઈ સચિન પાયલટે સોનિયા ગાંધી, અશોક ગેહલોત અને અજય માકનનો આભાર માન્યો હતો. પાયલટે કહ્યું કે, દલિત સમાજના 4 કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે જે અમારા માટે ખૂબ સારી વાત છે. આદિવાસી ભાઈ-બહેનોને ઉચિત પ્રતિનિધિત્વ મળ્યું છે, આ લોકો અમારા સાથે રહ્યા છે. જે સમૂહ હંમેશા અમારા સાથે રહ્યો છે તેને તેનો ભાગ આપવાનું કામ કરવામાં આવ્યું છે.
સચિન પાયલટે જણાવ્યું કે, નવું મંત્રી મંડળ તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ અને સૌની મંજૂરી બાદ બનાવાયું છે. દિલ્હી અને રાજસ્થાનના નેતાઓએ મળીને મંત્રી મંડળ તૈયાર કર્યું છે.