ગુજરાતમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પૂર્વે 24,185 કરોડના 20 સમજૂતી કરાર થયા

ગુજરાતમાં 10મી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ પૂર્વે 24185.22 કરોડના 20 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયાં છે. આ કરાર થકી મુખ્યમંત્રીએ એવો દાવો કર્યો છે કે રાજ્યમાં 37,000 જેટલી પ્રત્યક્ષ રોજગારીની તકો સર્જાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગ અને વિવિધ રોકાણકાર ઉદ્યોગજૂથો વચ્ચે ગાંધીનગરમાં આ એમઓયુ સાઇન થયાં છે. ગુજરાતમાં 10 થી 12 જાન્યુઆરી 2022 દરમ્યાન મહાત્મા મંદિરમાં ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ થવાની છે, જેની પહેલાં રાજ્ય સરકારે 20 એમઓયુ સાઇન કર્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન, રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા હાજર રહ્યાં હતા. જે કરાર થયાં છે તેમાં ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનના બે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં ઉત્પાદન, રસાયણો, એગ્રોકેમિકલ્સ, ટેકનિકલ ટેક્સટાઇલ, દવા ઉદ્યોગો તેમજ કૃષિ સાધનો બનાવતી કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરૂચ, ધોલેરા, વડોદરા, હાલોલ સહિત અન્ય સ્થળોએ મૂડીરોકાણ કરશે.

મહત્વના જે સમજૂતી કરાર થયા છે તે પૈકી ઇન્ડો એશિયન કોપર દ્વારા 8500 કરોડનું રોકાણ અમરેલીમાં કરવામાં આવશે. કિરી ઇન્ડસ્ટ્રીઝ તરફથી દહેજમાં 2900 કરોડનું રોકાણ આવી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દહેજમાં 1592.22 કરોડનું મૂડીરોકામ કરશે.

દક્ષિણ ગુજરાતના વિલાયતમાં કલરટેક્સ ઇન્ડિયા કંપની 2000 કરોડનું રોકાણ કરવા જઇ રહી છે. મેઘમણી જૂથની વિવિધ કંપનીઓ ગુજરાતમાં 2600 કરોડનું રોકાણ કરશે, જ્યારે મેરિનો ઇન્ડસ્ટ્રીઝ પંચમહાલના હાલોલમાં 900 કરોડનું રોકાણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *