ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી છેલ્લા કેટલાય દિવસોથી લાખોમાં નહિ પણ પરંતુ કરોડોની જેની કીમત ગણાય છે, તેવા મોંઘાદાટ નશીલા પદાર્થ ડ્રગ્ઝ મળી આવવાનો સિલસિલો ચાલુ છે, એવામાં આજે ગુજરાત એ.ટી.એસ. ખાતે નોંધાયેલા એન.ડી.પી.એસ.ના ગુનામાં વધુ ૧૦ કરોડની બજાર કિંમતનો હેરોઇનનો જથ્થો જામનગરમાં બેડી રોડ પર અવાવરું જેવી જગ્યામાં છુપાવેલી અવસ્થામાં મળી આવતા ભારે હડકંપ મચી ગયો છે. જે જથ્થો તંત્રએ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીમાં જે ડ્રગ્ઝનો જથ્થો ઝડપાયો હતો, તેના તાર છેક જામનગર સુધી નીકળ્યા છે. ગત તા. ૨૧.૧૧.૨૦૨૧ ના રોજ એ.ટી.એસ. દ્વારા નોંધવામાં આવેલા એન.ડી.પી.એસ. ગુન્હામાં વધુ ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તથા તેઓના રીમાન્ડ લેવા માટે કોર્ટમાં રજુ કરતા, કોર્ટે ૧૦ દિવસના ના રીમાન્ડ મંજુર કર્યા હતા.
જે પકડાયેલ આરોપીઓની રીમાન્ડ દરમ્યાન પૂછપરછ કરતાં જાણવા મળેલું કે પકડાયેલા આરોપી રહીમ હાજી અકબર (રહે. ગામજોડીયા, મોટા વાસ, બંદર રોડ, તા.જોડીયા) એ આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી અનવર ઉર્ફે અનુ મુસાભાઇ પટેલીયાની સાથે બોટ લઈ જખોના દરીયામાંથી હેરોઇનનો જથ્થો લાવેલો હતો. આ જથ્થામાંથી અમુક જથ્થો રહીમ હાજીએ પોતાની પાસે સંતાડી રાખેલો હોવાનું જણાવતાં એ.ટી.એસ.ની ટીમે જામનગર એસઓજીના પી.આઈ.એસ.એસ.નીનામા સહિતની ટીમને સાથે રાખી રહીમ હાજીના જણાવ્યા મુજબ તેને સાથે રાખી જામનગર બેડી રોડ ખાતેથી વધુ ૨ કીલો હેરોઇનનો જથ્થો શોધી કાઢી તપાસાર્થે કબજે કર્યો છે. જેની કિંમત આશરે રૂ.૧૦ કરોડની થાય છે. જે બેડી વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ સંતાડી ને રાખ્યો હતો. જ્યાંથી આજે એટીએસ વગેરેની સંયુક્ત ટીમ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે. જેથી જામનગરમાંથી પણ રૂપિયા ૧૦ કરોડના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, અને એટીએસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.