સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી : ‘તમારા મુખ્યમંત્રીને કંઇ જ ખબર નથી?’

કોવિડના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને જલદી સહાય મળે તે માટે સુપ્રીમ કોર્ટે જિલ્લાવાર સમિતિ બનાવવાનો આદેશ કર્યો હતો, જો કે રાજ્ય સરકારે આ આદેશથી વિપરિત સ્ક્રુટિની સમિતિ બનાવતા ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. જો કે આજની સુનાવણીમાં રજૂ કરાયેલા સુધારેલો પરિપત્ર પણ સુપ્રીમના નિર્દેશ મુજબનો ન હોવાથી કોર્ટે ફરી રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને એવી ચિમકી પણ આપી હતી કે સરકાર આમ જ વિલંબ કરતી રહેશે તો ૨૦૦૧ના ભૂકંપની જેમ લીગસ સર્વિસ ઓથોરિટી મારફતે આ સહાય વિતરણ કરવાનો આદેશ આપવામાં આવશે. જેમનો ડેટા સરકાર પાસે જે અને વિગતો સંપૂર્ણ છે તેમને હાલના તબક્કે ૫૦ હજાર રૃપિયાનું વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગત્નાની ખંડપીઠે દ્વારા ગત સુનાવણીમાં ઝાટકણી બાદ રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આજે સુધારેલો પરિપત્ર રજૂ કર્યો હતો. જો કે ખંડપીઠે સુધારેલા પરિપત્ર પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમાં હોસ્પિટલ સર્ટિફિકેટની જોગવાઇ છે અને કઇ હોસ્પિટલ કોવિડ મૃત્યુના સર્ટિફિકેટ આપે છે? આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

રાજ્ય સરકાર તરફથી આજે એવી દલીલ કરવામાં આવી હતી કે સહાય માટે ખોટાં દાવાઓ કરવામાં આવતા હોવાના કારણે આ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી ખંડપીઠે કહ્યું હતું કે સરકારના જ ડેટા પ્રમાણે ઓછામાં ઓછાં દસેક હજાર લોકોના મૃત્યુ કોવિડના કારણે થયા છે તો પછી તેમાં શંકા ઉભી કરવાની વાત જ ક્યાં છે. ખોટાં દાવાઓ કરવામાં આવશે તેવી આશંકાના કારણે સાચા અને જરૃરિયાતમંદ લોકોને સહન કરવાનું ? મૃત્યુ પ્રમાણપત્ર તો સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે તો તેમાં ચેડાંની કેવી રીતે થઇ શકે. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે ખોટાં મૃત્યુ પ્રમાણપત્ર રજૂ નથી કરાતા પરંતુ ખોટાં આર.ટી.-પી.સી.આર. રિપોર્ટ રજૂ થવાની આશંકા છે. સોલિસિટર જનરલે આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેસી નિર્ણય કરવાની ખાતરી આપતા વધુ સુનાવણી ૨૯મી નવેમ્બરના રોજ નિયત કરવામાં  આવી છે.

‘તમારા મુખ્યમંત્રીને કંઇ ખબર જ નથી?’ અધિક મુખ્ય સચિવ અગ્રવાલની આકરાં શબ્દોમાં ટીકા

સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સમક્ષ આજે થયેલો સંવાદ

જસ્ટિસ શાહ :  પહેલાંનો પરિપત્ર કોણે મંજૂર કર્યો હતો? કોઇકે તો જવાબદારી લેવી જોઇએ ને.

સોલિસિટર જનરલ : હું જવાબદારી લઉ છું.

જસ્ટિસ શાહ : તમે શા માટે જવાબદારી લો છો? સંબંધિત અધિકારીએ જ જવાબદારી લેવાની હોય, પરિપત્ર ડ્રાફ્ટ કોણે કર્યો હતો?

ત્યારબાદ સોલિસિટરન જનરલે ખંડપીઠને કહ્યું હતું કે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ઓનલાઇન  સુનાવણી જોઇન કરી છે. જેથી ખંડપીઠે તેમને સંબોધી પ્રશ્નો કર્યા હતા.

જસ્ટિસ શાહઃ પરિપત્ર ડ્રાફ્ટ કોણે કર્યો હતો? તેને મંજૂરી કોણે આપી હતી ? અને આ કોના મગજની ઉપજ છે?

મનોજ અગ્રવાલ : પરિપપત્રનું ડ્રાફ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને કેટલાંક અધિકારીઓ પાસે મોકલવામાં આવ્યો હતો અને અંતે સક્ષમ સત્તામંડળ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.

જસ્ટિસ શાહ : સક્ષમ સત્તામંડળ એટલે કોણ?

મનોજ અગ્રવાલ : સર, સક્ષમ સત્તામંડળ એટલે ટોપ-મોસ્ટ લેવલ.

જસ્ટિસ શાહ : અમને જણાવો, એ કોણ છે?

મનોજ અગ્રવાલ : સર, તેઓ મુખ્યમંત્રી છે.

જસ્ટિસ શાહ : તમારાં મુખ્યમંત્રીને કંઇ ખબર જ નથી? મિસ્ટર સેક્રેટરી, તમારું ત્યાં કામ શું છે? જો આ જ તમારી નિર્ણયક્ષમતા હોય તો તમને કંઇ ખબર જ નથી. આ બીજું કંઇ નહીં પરંતુ બાબુશાહી દ્વારા થતો વિલંબના પ્રયત્નો છે.

મુખ્ય સચિવ પંકજ કુમારને પણ સૂચન

આજની સુનાવણીમાં ખંડપીઠે મુખ્ય સચિવ પંકજ કુમારને સંબોધીને કહ્યું હતું કે તમે તો ઘડાયેલા અધિકારી છો, તમે જુઓ કે આ સમસ્યા શા માટે ઉદભવી રહી છે. તમારા અધિકારીઓને કહો કે તેઓ ેક પુલ તરીકે કામ કરે અને કોર્ટના આદેશોને ઉંધી રીતે ન લે.

અત્યાર સુધીમાં કેટલાં પરિવારને વળતર મળ્યું? : કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારના ડેટા પ્રમાણે ગુજરાતમાં દસ હજાર લોકોના મૃત્યુ કોવિડના કારણે થયા છે. તેથી ઓછાંમાં ઓછાં દસ હજાર લોકોને તો કોવિડ મૃત્યુ સહાય મળવી જોઇએ ને. અત્યાર સુધીમાં કેટલાં પરિવારોને વળતર મળ્યું છે? આ ઉપરાંત કોર્ટે ચીમકી આપી હતી કે જો સરકાર ટાળતી રહેશે તો ૨૦૦૧ના ભૂકંપ સમયે જેમ લીગલ સર્વિસ ઓથોરિટીની ઓમ્બડ્સમેન તરીકે નિમણૂક કરી વળતર આપવામાં આવ્યું હતું તેમ આ મુદ્દે પણ લીગલ સર્વિસ ઓથોરિટી મારફતે વળતરની ચૂકવણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *