બાજપેઈ યોજનામાં લોન અપાવવાનું કહી ચિટરે છ વેપારીને ચૂનો ચોપડયો

સરકારી સબસીડીવાળી બાજપેઈ યોજનામાં લોન અપાવવાના બહાને લોન ફીની રકમ વસૂલીને ચિટર પલાયન થઈ ગયો છે. કોરોના પછી ધંધો ફરી જમાવવા માટે પૈસાની જરૂર હોવાથી રમાકાંત સાહુ નામના ચિટરની વાતોમાં આવી ગયેલા  છ વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે તે રમાકાંત સીજી રોડ ઉપર આવેલી ઓફિસ બંધ કરી પલાયન થયો છે.

લોન ફીની રકમની છેતરપિંડીમાં રકમ સીમિત હોવાથી ફરિયાદો ઓછી થઈ છે પણ અઢળક લોકો છેતરાયા હોવાનું પોલીસ કહે છે. ઘાટલોડિયાના ચાણક્યપુરીમાં રહેતા ધર્મેશભાઈ રામભાઈ શર્મા ઘડિયાળ વેચવાની શોપ ધરાવે છે. બે-અઢી વર્ષ પહેલાં તેમના પર એક ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, યસ બેન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહીને ક્રેડિટ કાર્ડ ઓફર કર્યું હતું.

રમાકાંત સાહુ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ કહ્યું તે મુજબની પ્રોસેસ કરતાં ધર્મેશભાઈને ક્રેડિટ કાર્ડ મળ્યું હતું. આ પછી જુન-2021માં રમાકાંત સાહુ નામનો આ વ્યક્તિ ધર્મેશભાઈની ચાંણક્યપુરીમાં આવેલી દુકાને ગયો હતો. રમાકાંતે કહ્યું હતું કે, યસ બેન્કની નોકરી છોડી દીધી છે અને લોન અપાવવાનો ધંધો ચાલુ કર્યો છે.

બધા પ્રકારની લોન અપાવવાનું કામ કરૂં છું. પોતે નવરંગપુરામાં માય માય હાઉસ પાછળ સીજી રોડ ઉપર ઓફિસ ચાલુ કરી હોવાનું જણાવ્યું હતું. આ પછી ધર્મેશભાઈ એક દિવસ રમાકાંતની ઓફિસે ગયા હતા. રમાકાંતે કહ્યું હતું કે, સરકાર દ્વારા કોરોના મહામારીમાં ભાંગી પડેલા અર્થતંત્રને બેઠું કરવાના ઉમદા હેતુથી નાના ગૃહઉદ્યોગો માટે સબસીડીવાળી બેન્ક લોન અપાવવાની તેમજ અન્ય યોજાનાના લાભ સમજાવ્યા હતા.

આ પછી ધર્મેશભાઈ અને તેમના મિત્ર અશ્વિનભાઈ પુત્રના અભ્યાસ માટે પૈસાની જરૂર હોવાથી તેમજ આસારામ વર્મા તેમનું મકાન કપાતમાં જતું હોવાથી લોનની જરૂર હોવાથી રમાકાંતની ઓફિસે ગયા હતા.

રમાકાંતે ધર્મેશભાઈને તેમના વોચના ધંધા માટે આઠ લાખની, અશ્વિનભાઈને દિકરાના વિદેશ અભ્યાસ માટે 16 લાખની તેમજ આસારામભાઈ વર્માને મકાન માટે 24 લાખની લોન મંજુર કરાવી આપવાની ખાતરી આપી હતી. બાજપેઈ યોજના અંતર્ગત લોન અપાવવાનું કહી જરૂરી ડોક્યુમેન્ટસ મેળવીને બે ટકા કમિશન આપવાનું રહેશે તેવી વાત રમાકાંતે કરી હતી.

આઠથી બાર દિવસમાં લોન મંજુર થશે અને ગાંધીનગરથી વેરીફિકેશન માટે ફોન આવશે તેવી વાત કરીને ફાઈલ ચાર્જ પેટે પૈસા મેળવ્યા હતા. પંદર દિવસ જેટલો સમય વિતવા છતાં લોન મંજુર થયાનો કોઈ લેટર, મેસેજ કે ફોન આવ્યો નહોતો. રમાકાંતભાઈને ફોન કરતાં તેમણે થોડો સમય રાહ જોવા કહ્યું હતું. આખરે, 25 જુલાઈના રોજ રમાકાંતને ફોન કરતાં તેનો મોબાઈલ ફોન બંધ આવતો હતો.

બાદમાં તપાસ કરતાં આસારામભાઈએ જણાવ્યુ ંહતું કે, તેમના મિત્ર ચંદ્રીકાભાઈ નિષાદે 30 લાખની લોન માટે 62000 રૂપિયા રમાકાંતને આપ્યા છે. રમાકાંતની ઓફિસે તપાસ કરતાં વોચમેન પાસેથી જાણવા મળ્યું હતું કે, આ શખ્સે નીતિનભાઈ રાઠોડ પાસેથી 20000, સરસપુરના કુરેશી મોહમદ જાકીર પાસેથી 11000, શાહપુરના મુર્તુજા એહમદ શેખ પાસેથી 7000 રૂપિયા મેળવ્યા હતા.

આમ, અડધો ડઝનથી વધુ લોકોને સરકારી સબસીડીવાળી બાજપેઈ યોજનાની લોન અપાવવાનું કહી  ફાઈલ ચાર્જના બહાને 1,47,500 રૂપિયા લઈને રમાકાંત પુરણભાઈ સાહુ (રહે. બાપાશ્રી એવન્યુ, મનમોહન પાર્ક રોડ, નિકોલ) નાસી ગયો હતો.

સીજી રોડ ઉપર સહજાનંદ કોમ્પલેક્સમાં આવેલી ઓફિસ પણ બંધ છે.ફરિયાદના આધારે તપાસ કરતા નવરંગપુરા પી.આઈ. આર.જે. ચુડાસમાએ જણાવ્યું કે, અગાઉ સોલા સહિતના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે તેવો રમાકાંત પલાયન છે અને શોધખોળ ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *