ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચના પાંચેય દિવસ બંને ટીમો વચ્ચે રસાકસી ભરી મેચ જોવા મળી હતો. ભારતે બીજી ઈનિંગમાં ન્યુઝીલેન્ડની ટીમને જીતવા માટે ૨૮૪ રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના સામે ન્યુઝીલેન્ડે પાંચમાં દિવસની રમત સુધી ૯ વિકેટના ગુમાવતા ૧૬૫ રન કર્યા હતા. આ મેચને ડ્રો કરાવવામાં ન્યૂઝીલેન્ડ ટીમના ડેબ્યૂટન્ટ ખેલાડી રચિન રવીંદ્રે ૯૧ બોલ રમ્યા હતા, તે ઉપરાંત એજાઝ પટેલે ૨૩ બોલનો સામનો કરી પોતાની વિકેટ બચાવી હતી. અંતે પરિણામે આ મેચ ડ્રો રહી હતી. ટી બ્રેક પછી પ્રથમ ઓવરમાં અક્ષર પટેલે હેનરી નિકોલ્સ ને LBW કરી ન્યુઝીલેન્ડ ટીમની ૫ મી વિકેટ લીધી હતી. ત્યારબાદ જાડેજાએ કેપ્ટન કેન વિલિયમ્સનને પેવેલિયન ભેગો કરી ન્યુઝીલેન્ડ ટીમના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. ત્યારપછી ઈન્ડિયન ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટોમ બંલ્ડલને આઉટ કરી કીવી ટીમની ૭મી વિકેટ પાડી હતી.
રવિચંદ્ર અશ્વિને હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો
ભારતીય ટીમના દિગ્ગજ સ્પીન બોલર રવિચંદ્ર અશ્વિને કાનપુર ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ટોમ લેથમને આઉટ કરી પોતાની કારકિર્દીની ૪૧૮મી વિકેટ લીધી છે. અશ્વિને આ વિકેટની સાથે હરભજન સિંહને ઓવરટેક કરી લીધો છે. અને ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ક્રમમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
શ્રેયસ અય્યરની રેકોર્ડ બ્રેક ઈનિંગ
પહેલી ઈનિંગમાં ૧૦૫ રન કરી શ્રેયસ અય્યર બીજી ઈનિંગમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. શ્રેયસ અય્યરે બીજી ઈનિંગમાં પણ ૬૫ રનની ઈનિંગ રમી ઈન્ડિયન ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પહેલી ટેસ્ટ ઈનિંગમાં ૫૦+ સ્કોર કરનારો અય્યર ભારતનો ૯મો ખેલાડી બની ગયો છે. ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ૧૫૦+ રન કરનારો અય્યર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. વર્ષ ૨૦૧૦ પછી ટેસ્ટ ડેબ્યૂ પર સદી અને અડધી સદી કરનાર અય્યર બીજો ખેલાડી બન્યો.