પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજથી બે દિવસીય મુંબઈ પ્રવાસે છે. આજે મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે તેમજ પાર્ટી નેતા સંજય રાઉતે આજે મુંબઈમાં પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. આને લઈને આદિત્ય ઠાકરેએ કહ્યુ, અમે તેમનું મુંબઈ અને મહારાષ્ટ્રમાં સ્વાગત કરીએ છીએ. હંમેશા મિત્રતા રહી છે. અમે તેમને 2-3 વર્ષ પહેલા પણ મળ્યા હતા જ્યારે તેઓ મુંબઈ આવ્યા છે.
જે બાદ મમતા બેનર્જીએ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી. મુલાકાત બાદ શરદ પવારે કહ્યુ કે મારા પહેલા સંજય રાઉત અને આદિત્ય ઠાકરેએ તેમની સાથે મુલાકાત કરી. આજે મારા સાથીઓ અને મે તેમની સાથે લાંબી વાતચીત કરી છે. તેમનો ઈરાદો છે કે આજની સ્થિતિમાં સમાન વિચારધારા વાળી તાકાતોને રાષ્ટ્રીય સ્તર પર એક સાથે આવવુ પડશે અને સામૂહિક નેતૃત્વ સ્થાપિત કરવુ પડશે. તેમણે કહ્યુ કે આપણે નેતૃત્વ માટે એક મજબૂત વિકલ્પ પ્રદાન કરવો પડશે. અમારા વિચાર આજ માટે નહીં ચૂંટણી માટે છે. આને સ્થાપિત કરવી પડશે અને આ ઈચ્છા સાથે તેમણે પ્રવાસ કર્યો છે અને અમારા સૌની સાથે ઘણી સકારાત્મક ચર્ચા કરી છે.
મમતા બેનર્જીનો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાતનો કાર્યક્રમ હતો, પરંતુ ઉદ્ધવ ઠાકરેની તબિયત ખરાબ હોવાના કારણે આ મુલાકાત થઈ શકી નહીં. આ સિવાય તેઓ એક ડિસેમ્બર એટલે કે બુધવારે મુંબઈના કેટલાક મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. મમતા બેનર્જીની ઉદ્યોગપતિઓ સાથે થનારી મુલાકાતનો ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળમાં રોકાણને વધારવાનો છે.