કોરોના સંક્રમણની હાલની સ્થિતિ તેમજ ઓમીક્રોનના વિશ્વના દેશોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી અમદાવાદમાં સતત ત્રીજા વર્ષે પણ કાંકરીયા કાર્નિવલ નહીં યોજવા અંગે મ્યુનિ.ની રીક્રીએશન કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે.બીજી તરફ કમિટીમાં ફલાવર શો આયોજીત કરવા મંજુરી માંગતી દરખાસ્ત શરતી મંજુરી આપવા સાથે પસાર કરવામાં આવતા કમિટીના બેવડા વલણને લઈ આગામી દિવસોમાં વિવાદ વકરે એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રીએશન કમિટીની મળેલી બેઠક બાદ ચેરમેન રાજુ દવેએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,કાંકરીયા લેકફ્રન્ટ ખાતે દર વર્ષે ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી યોજવામાં આવતો કાંકરીયા કાર્નિવલ કોરોના સંક્રમણ અને નવા વેરીયન્ટથી વિશ્વના દેશોમાં જોવા મળતી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ વર્ષે પણ નહીં યોજવા ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, કાંકરીયા લેકફ્રન્ટ ખાતે વર્ષ-૨૦૧૯-૨૦ બાદ સતત ત્રીજા વર્ષે પણ કાર્નિવલ યોજવામાં નહીં આવે.
કાંકરીયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય લેનારી રીક્રીએશન કમિટીએ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી-૨૦૨૨ના પ્રથમ પખવાડીયા દરમ્યાન એલિસબ્રીજથી સરદારબ્રીજ વચ્ચે આવેલા રીવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ઈવેન્ટ સેન્ટરના વિસ્તારમાં ફલાવર શો-૨૦૨૨નું આયોજન કરવા તથા ખર્ચનો અંદાજ મંજુર કરવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપતી દરખાસ્ત જો કોરોનાના કેસ વધે તો આયોજન અંગે ફેરવિચારણા કરવી એવી શરત સાથે મંજુર કરી છે.