ગુજરાતમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરને પગલે સતત બીજા દિવસે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ગુજરાતના ૧૦૦ તાલુકામાં માવઠું પડયું હતું અને તેમાંથી ૫ તાલુકામાં ૧ ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કરેલ આગાહી પ્રમાણે રાજ્યના વિવિધ સ્થળોએ હજુ આગામી બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે. ઉપરાંત આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે વરસાદી વાતાવરણને પગલે સમગ્ર રાજ્યમાં દિવસ દરમિયાન કડકડતી ઠંડી પડી હતી.
આજે દિવસ દરમિયાન વડોદરા જિલ્લાના ડભોઇમાં સૌથી વધુ ૨ ઈંચ, છોટા ઉદેપુરના ડભોઇમાં દોઢ ઈંચ, નર્મદાના તિલકવાડમાં સવા ઈંચ જ્યારે સુરતના માંગરોળ, નર્મદાના ગરૃડેશ્વરમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત છોટા ઉદેપુર, સંખેડા, જાંબુઘોડા, હાંસોટ, અંકલેશ્વર, પલસાણા, જાલોદમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં સુરત જિલ્લામાં કુલ ૬૫૭ મિ.મિ એટલે કે સરેરાશ ૨.૬ ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને વ્યાપક નુકસાન થયુ હતું.
ભરૃચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ માવઠાની અસર સર્જાતા સતત વરસાદ વરસતો રહ્યો હતો. ભરૃચમાં ૩૦ મીમી, જંબુસર – નેત્રંગમાં ૬ મીમી, આમોદમાં ૫ મીમી, અંકલેશ્વરમાં ૨૮ મીમી, હાસોટ, વાગરામાં ૧૯મીમી, વાલિયામાં ૩૭ મીમી, ઝઘડિયામાં ૨૧ મીમી,વરસાદ નોંધાતા શિયાળાની ઠંડી વધુ કાતિલ બની હતી. માવઠાથી કપાસ, ડાંગર, તુવેર, મગફળીને નુક્સાન થયું છે. ઇંટોના ભઠ્ઠા બંધ પડતાં ઇંટોના વેપારમાં ભારે નુક્સાન થયું છે.
ગુજરાતમાં માવઠાની અસરને કારણે સતત બીજા દિવસે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યના મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે જતાં લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આવતીકાલથી તાપમાન ૪ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. રાજ્યમાં મોટાભાગના સ્થળોએ આજે દિવસનું તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ગત રાત્રિએ નલિયા, વલ્લભ વિદ્યાનગરમાં ૧૫.૨ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અન્યત્ર વડોદરામાં ૧૫.૮, ભાવનગરમાં ૧૭.૪, ભૂજમાં ૧૭.૮, રાજકોટમાં ૧૮.૭ અને સુરતમાં ૧૬.૬ ડિગ્રીએ પારો રહ્યો હતો.