રાજકોટમાં મનપાની ઘોર બેદરકારી: ગટરનું ઢાંકણું ખુલ્લુ રહી જતા નવી કાર અંદર ખાબકતા ફંગોળાઈ, બાઈક ચાલક સહેજ માટે બચ્યો

રાજકોટ શહેરમાં ડ્રેનેજ શાખાની ઘોર બેદરકારી સામે આવી છે. અવારનવાર રસ્તા પર ગટરના ઢાંકણા ખુલ્લા રહી જતા જનતાને અકસ્માતોનો સામનો કરવો પડે છે. ડ્રેનેજ શાખાની આ ઘોર બેદરકારીના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. મવડી ચોકડી નજીક ગટરનું ઢાંકણું ખુલ્લું રહી જતા નવી નક્કોર કાર અંદર ખાબકતા ફંગોળાઈ હતી. ઉપરાંત બાજુ માંથી પસાર થઈ રહેલા બાઇકચાલકનો જીવ બચી જાય છે. કારણ કે ફંગોળાયેલી આખી કાર બાઇકચાલક પર જ પડવાની હતી. ઘટનાને પગલે ભારે ભીડ એકઠી થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકનાં CCTVમાં કેદ થતા તેના ફૂટેજ પણ સામે આવ્યા છે. જેને લઈને ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર સફાળું જાગ્યું છે અને તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળેલ માહિતી અનુસાર, રાજકોટના મવડી ચોકડી નજીક મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા પુલ પાસેના જાહેર રસ્તા પર લોકોનો જીવ જોખમાય તે રીતે ગટરનું ઢાંકણું ખુલ્લું રાખી દેવામાં આવ્યું હતું.. જેમાં ત્યાંથી પસાર થતી નવી નક્કોર કિયા કાર ફંગોળાઈ હતી. આ સમયે એક બાઇકચાલક પણ સ્હેજ માટે બચી ગયો હતો.

મહાનગરપાલિકાની બેદરકારીને કારણે કાર અથડાવાના મામલે સિટી ઇજનેર કમલેશ ગોહેલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે સમારકામનું કામ ચાલી રહ્યું છે. ઢાંકણું ખુલ્લું નહોતું પણ કારનું વજન એક તરફ થતા ઢાંકણું ઊંચક્યું હતું અને ઘટના બની હતી. શહેરમાં બીજી જગ્યાએ પણ આ પ્રકારની પરિસ્થિતિ હશે તો તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. જો કોઈ ફરિયાદ મળશે તો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે.

કાર ફંગોળાઈ તે જ સમયે એરબેગ ખુલ્લી જતા કારચાલકનો પણ બચાવ થયો છે. કારને નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, રસ્તા પર આવા જીવલેણ ગટરના ઢાંકણા લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *