ભારતીય મૂળના અને ન્યુઝીલેન્ડ ટીમના બોલર એજાઝ પટેલે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસનું પુનરાવર્તન કરતા એજાઝ પટેલે એક ઈનિંગમાં સંપૂર્ણ ૧૦ વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તે એક ઈનિંગમાં ૧૦ વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. એજાઝ પટેલ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે અને ઈંગ્લેન્ડના જિમ લેકરે ૧૦ વિકેટ ઝડપી હતી. અનીલ કુંબલેએ ૧૯૯૯માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પાકિસ્તાન સામે આ સિદ્ધિ મેળવી હતી. તથા ઇંગ્લેન્ડના જિમ લેકરે ૧૯૫૬માં ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગમાં ૧૦ વિકેટ લીધી હતી. મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલે બીજી ટેસ્ટમાં ૪૭.૫ ઓવર ફેંકી હતી અને ૧૨ ઓવર મેડલ નાંખીને ૧૧૯ રનમાં ૧૦ વિકેટ લઈને ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. પટેલે પોતાની મેજિંક બોલિંગથી ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટની એક ઇનિંગમાં ૧૦ વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર પહેલા જ દિવસે એજાઝ પટેલનો શિકાર બન્યા હતા.તેમાંથી પૂજારા અને કોહલી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે એકમાત્ર પટેલે વિકેટ લીધી હતી. બીજા દિવસે બોલિંગ કરવા આવેલા પટેલ કંઈક અલગ જ મૂડમાં હતા. દિવસની શરૂઆતમાં રિદ્ધિમાન સાહાને પેવેલિયન પરત મોકલ્યો, ત્યારબાદ રવિચંદ્રન અશ્વિનને આઉટ કર્યો હતો.
ભારતીય ટીમનો સ્કોર ૩૦૦ રન પણ નહોતો થયો અને આ ટેસ્ટમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલ પણ એજાઝ પટેલની સ્પિન બોલિંગમાં કેચ આઉટ થયો હતો. અત્યાર સુધી પટેલે ૭ વિકેટ લીધી હતી. તેણે અક્ષર પટેલની આઠમી વિકેટ લીધી. ત્યારબાદ તેણે જયંત યાદવની પણ વિકેટ લીધી હતી. પછી મોહમ્મદ સિરાજને આઉટ થતાં જ એજાઝ પટેલ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયો.