તાજેતરમાં જ જોખમી દેશોમાંથી આવેલા લોકોનેે 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન મ્યુનિ.એ સૂચના આપી છે. જોકે વાસણામાં રહેતો એક યુવક વિદેશથી આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઇનની ગાઇડલાઇનનો ભંગ કરી બહાર ફરતો હોવાનું પકડાતા મ્યુનિ.એ તેની સામે પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી શરૂ કરી છે.
જોખમી દેશોમાંથી ભારત આવતાં તમામ લોકોના અમદાવાદ એરપોર્ટ પર આરટીપીસીઆર કરાય છે અને રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇનની સૂચના અપાય છે. આ સમયગાળા દરમિયાન આવી વ્યક્તિ કોઈને મળી શકતી નથી કે બહાર હરી ફરી શકતી નથી. તેઓ આ નિયમનું યોગ્ય રીતે પાલન કરતાં હોવાની તપાસ પણ કરવામાં આવે છે. વિદેશથી આવેલો એક યુવક વાસણામાં હોમ ક્વોરન્ટાઇન થવાને બદલે બહાર ફરતો હોવાથી કાયદેસરના પગલાં લેવા કાર્યવાહી શરૂ કરાઈ છે.
હોમ ક્વોરન્ટાઇન પર આ રીતે નજર રખાય છે?
હોમ ક્વોરન્ટાઇન પર નજર રાખવા માટે મ્યુનિ. તંત્રએ જુદી જુદી પદ્ધતિ અપનાવી છે. જેમાં મેડિકલ ઓફિસર ફોન સંપર્ક કરી ખાતરી કરે છે કે, કવોરન્ટાઇન થયેલી વ્યક્તિ તેના ઘરે જ છેને? દિવસમાં ગમે ત્યારે મ્યુનિ.ની સંજીવનીવાન પણ ક્વોરન્ટાઇન વ્યક્તિને ઘરે જઇ તપાસ કરે છે કે, તે ઘરે છે કે નહીં? પાડોશીને પણ એ બાબતે પૂછવામાં આવે છે. આ સિવાય પોલીસને પણ જાણ કરી છે કે, તેમના વિસ્તારમાં ચોક્કસ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાયા છે, તેઓ ઘરની બહાર ન નીકળે તે માટે યોગ્ય ચકાસણી કરવી જરૂરી છે.