અમુલ શુધ્ધ દેશી ઘીના નામે વેજીટેબલ ઘી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદના સરખેજમાં આવેલા ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને આઠ લાખની કિંમતનું વેજીટેબલ ઘી કબજે કરાયું છે. વેજીટેબલ ઘીના ડબ્બા ઉપર કડીની બ્રાન્ડના સ્ટીકર ઉખાડી અમુલ શુધ્ધ દેશી ઘીના રેપર, માર્કા, પુંઠાના બોક્સ, બનાવટી બેચકોડ અને એગમાર્ક લગાવતા બે શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ છે.
સરખેજમાં સાણંદ સર્કલ પાસે આવેલા જગદિશ એસ્ટેટના ગોડાઉન નંબર બેમાં ઝોન-7 ડીસીપી સ્કવોડે દરોડો પાડયો હતો. પોલીસની ટીમે દરોડો પાડીને વેજીટેબલ ઘીની બ્રાન્ડના ડબ્બા લાવીને તેના રેપર ઉખાડી લઈ તેના ઉપર અમુલ શુધ્ધ ઘીના લેબલ લગાવી અમુલના બોક્સ પેકીંગમાં શુદ્ધ ઘી તરીકે વેચવાનું કૌભાંડ પકડી પાડયું છે. પોલીસે જુના માધુપુરામાં રહેતા દેવ બાલુસિંગ વાઘેલા અને ગોંડલના નાના ઉંબાડા ગામના અલ્પેશ ગોબરભાઈ દેવરાને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સરખેજ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, સરખેજ પોલીસને બાતમી મળી હતી કે, સરખેજમાં જગદિશ એસ્ટેટના ગોડાઉન નંબર બેમાં અમુલ બ્રાન્ડની ઘીનું ડુપ્લિકેશન અને ગેરકાયદે પેકીંગ કરીને વેચાણ કરવા માટે બોલેરો વાનમાં વેચાણ કરવા માટે લઈ જવામાં આવનાર છે. પોલીસની ટીમે તરત જ સ્થળ ઉપર પહોંચીને દરોડો પાડયો હતો. પોલીસે ગોડાઉનમાં તપાસ કરતાં બે શખ્સો ડબ્બાઓની ઉપર અમુલ પ્યોર ઘીનું સ્ટીકર લગાવતા હતા.
પોલીસે ગોડાઉનમાંથી ઈન્ટરસ્ટેરિફાઈડ વેજીટેબલ ફેટના કડીની ફેક્ટરીમાં બનેલા વેજીટેબલ ફેટના કુલ 16 બ્રાન્ડેડ ડબ્બા કબજે કર્યા હતા. આ ઉપરાંત કડીની વેજીટેબલ ઓઈલ ઘીના બનેલા મુળ કડીની બ્રાન્ડના 29 ડબ્બા કબજે કર્યા હતા. આ ઉપરાંત 115 નંગ પુંઢાના બોક્સ મળ્યાં હતાં તેમાં વેજીટેબલ ફેટના ડબ્બા ભરેલા મળી આવ્યાં હતાં.
અમુક બોક્સમાંથી ડબ્બા કાઢતાં તેમાં અમુલ પ્યોર ઘી લખેલા ડબ્બા મળી આવ્યાં હતાં. એક ડબ્બાની 7650 રૂપિયા કિંમત હતી તેવા ડબ્બા ઉપર અમુકના પેકેજ બેચ નંબર, સહિતની વિગતો લખેલી હતી. આવા કુલ 115 ડબ્બા કબજે કરાયા હતા.
પોલીસે અમુલની બનાવટી બ્રાન્ડન ાનામે વેચવા તૈયાર કરાયેલા ચાર લાખની કિંમતના 115 ડબ્બા કબજે કર્યા હતા. અમુલ શુધ્ધ બ્રાન્ડના ટ્રેડ માર્કના દેવાવ જેવા જ ટ્રેડમાર્ક બનાવી વેજીટેબલ ઘીના ડબ્બાઓ ઉપર અમુલ ઘીના સ્ટીકર લગાવી અને અમુલ બ્રાન્ડની છાપવાળા પુંઠાના બોક્સમાં બેચ કોડ, ખોટા એગમાર્ક સહિતની ખોટી વિગત લખવામાં આવતી હતી.
ગોડાઉનમાંથી પકડાયેલા અલ્પેશ દવેરા બોલેરો પીકઅપ વાનમાં બનાવટી અમુલ ઘીના ડબ્બા રાજકોટ ખાતે વેચાણ માટે મોકલવાના હતા. નકલી અમુલ ઘી, અમુલ બ્રાન્ડ લગાવેલા ડબ્બા વગેરે મળી કુલ 8.32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સરખેજ પી.આઈ. એસ.જી. દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.- આણંદ સાથે ઠગાઈ કરી, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા તેમજ અમુલ બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકરો ઘીના ડબ્બા ઉપર લગાવી અમુક બ્રાન્ડના શુધ્ધ ઘીના ડુપ્લિકેટ છાપના પુંઠાના બોક્સમાં પેક કરી વેચાણ કરવા રાખવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક દ્રષ્ટિએ કડીની બ્રાન્ડના વેજીટેબલ ઓઈલના ડબ્બામાં અમુલ શુધ્ધ ઘીના સ્ટીકર લગાવીને રાજકોટ આસપાસના વિસ્તારમાં વેચાણ માટે મોકલાતું હતું. શુધ્ધ ઘીના નામે વેજીટેબલ ઘી સીધું જ વેચાણ માટે મોકલાતું હતું. એફએસએલ તપાસણીમાં તમામ તથ્યો સ્પષ્ટ થશે.