રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સોમવારે થોડા કલાકો માટે ભારતની મુલાકાત લેશે. પુતિન લગભગ બે વર્ષથી રશિયા છોડી વિદેશ પ્રવાસ પર નથી ગયા. G-૨૦ અને COP૨૬ જેવી વૈશ્વિક પરિષદોથી દૂર રહ્યા. ૧૬ જૂને તેમના પ્રતિસ્પર્ધી અમેરિકી રાષ્ટ્રપતિને થોડા સમય માટે મળવા માટે જીનીવા ગયા હતા.પરંતુ જ્યારે ભારતની વાત આવી ત્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિને પોતાનું ઘર છોડીને દેશના સૌથી વિશ્વાસુ સહયોગીની ભૂમિ પર આવવાનું નક્કી કર્યું.
રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું સ્પેશિયલ પ્લેન સોમવારે બપોરે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન લગભગ સાંજે ૫ વાગ્યે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી બંને નેતાઓની મુલાકાત માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમની વાતચીત દરમિયાન ખૂબ જ નાના પ્રતિનિધિમંડળને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. મોદી-પુતિન વાટાઘાટો બાદ બંને દેશોનું સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે પરંતુ વિદેશ પ્રમુખની મુલાકાત દરમિયાન કોઈ પરંપરાગત મીડિયા નિવેદન નહીં હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ હાઉસમાં રશિયન રાષ્ટ્રપતિના સન્માનમાં રાત્રિભોજનનું પણ આયોજન કરશે. આ પછી રાષ્ટ્રપતિ પુતિન રાત્રે ૯.૩૦ કલાકે રશિયા પરત જવા રવાના થશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની ભારત મુલાકાત દરમિયાન એક ખાસ ભેટ લાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદીને S ૪૦૦નું મોડલ રજૂ કરશે. ભારત અને રશિયા વચ્ચે S૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની પાંચમાંથી બે સિસ્ટમ રશિયાથી ભારત માટે મોકલવામાં આવી છે. તે ઉપરાંત પુતિનની મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશના અમેઠીમાં સંયુક્ત રીતે AK ૨૦૩ બનાવવા માટે ભારત અને રશિયા દ્વારા સોદા પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. AK ૨૦૩ની ગણતરી હાલમાં વિશ્વની શ્રેષ્ઠ અને સચોટ રાઈફલ તરીકે થાય છે. પુતિનની આ મુલાકાતમાં ભારત અને રશિયા વચ્ચે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાના છે. બંને નેતાઓની હાજરીમાં સંરક્ષણ, અવકાશ, પરમાણુ ઉર્જા, ટેકનોલોજી, આરોગ્ય, કૃષિ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન પર લગભગ એક ડઝન કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠકમાં અફઘાનિસ્તાનમાં બંને દેશોની સંયુક્ત રણનીતિ પર ચર્ચા થશે. કાબુલમાં તાલિબાનોના કબજા બાદ રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદી સાથે ૪૫ મિનિટથી વધુ સમય સુધી ફોન પર વાત કરી હતી. આ સિવાય પુતિને અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા માટે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને ભારત મોકલ્યા હતા. સીમાપાર આતંકવાદના મુદ્દે ભારતને રશિયાનું સમર્થન પણ મળ્યું છે. મોદી-પુતિન વાટાઘાટો બાદ બંને દેશો દ્વારા જારી કરવામાં આવેલા ઘોષણાપત્રમાં પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહીની માંગનો ઉલ્લેખ કરવામાં આવશે.