ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરતા વૈશ્વિક વૃદ્ધિ પુન: રૂંધાવાની દહેશત સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેેચવાલીના દબાણ પાછળ આજે બીએસઇ સેન્સેકસ્માં 949 અને એનએસઇ નિફ્ટીમાં 284 પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂા. 4.30 લાખ કરોડનું ધોવાણ થયું હતું.
ઓમિક્રોનના સતત વધતા કેસની બીજી તરફ ઊંચા ફુગાવા તેમજ યુએસ ફેડરલ દ્વારા બોન્ડ બાઇંગ પ્રક્રિયા પર બ્રેક મારવાના સંકેતોની બજાર પર પ્રતિકૂળ અસર હતી. આ ઉપરાંત ચીનનું અર્થતંત્ર મંદ પડતા ચાઇનીઝ સેન્ટ્રલ બેંકે રિઝર્વ રેશિયોમાં ઘટાડો કર્યાના અહેવાલોની પણ બજાર પર અસર જોવા મળી હતી.
મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ઉપરોક્ત પ્રતિકૂળ અહેવાલો પાછળ ચોમેરથી વેચવાલીના દબાણ પાછળ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 1000 પોઇન્ટથી વધુ તૂટી 56687 સુધી પટકાયા બાદ કામકાજના અંતે 949.32 પોઇન્ટ ઘટી 56747.14ની સપાટીએ નરમ રહ્યો હતો.
એનએસઈ ખાતે પણ વેચવાલીના ભારે દબાણે નિફ્ટી ઇન્ટ્રા-ડે 17000ની સપાટી ગુમાવી 16891 સુધી પટકાયા બાદ કામકાજના અંતે 284.45 પોઇન્ટ તૂટી 16912.25ની સપાટીએ નરમ રહ્યો હતો.
સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. 4.30 લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂા. 256.72 લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા આજે રૂા. 3361 કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી. છેલ્લા 12 દિવસમાં તેઓએ કુલ રૂા. 44365 કરોડની વેચવાલી હાથ ધરાઈ છે.
નિફ્ટી માટે 16900 સ્ટ્રોંગ સપોર્ટ ઝોન
નિફ્ટી તેના 16900ના સ્ટ્રોંગ સપોર્ટ ઝોન નજીક પહોંચ્યો છે. જો આ સપાટી જળવાશે તો પુલબેક રેલી જોવા મળશે. નિફ્ટી જો આ સપાટી ગુમાવશે તો 16800/ 16700નું લેવલ જોવા મળશે. જે મહત્ત્વની ટેકાની સપાટી છે.