ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગઈકાલે લોકસભામાં જાણકારી આપતા જણાવ્ય હતું કે, નજીકના દિવસોમાં વધુ ૨ સ્વદેશી કોવિડ-૧૯ રસી ઉપલબ્ધ કરવામાં આવશે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ એમેન્ડમેન્ટ બીલ ૨૦૨૧ પસાર થવા પર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, બંને નવી રસીઓ માટે ત્રીજા તબક્કાના ટ્રાયલ ડેટા સબમિટ કરવામાં આવ્યા છે.
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે બંને નવી રસીઓના ડેટા અને ટ્રાયલ સફળ થશે. આ બંને ભારતીય કંપનીઓ છે, આને લગતું સંશોધન અને ઉત્પાદન પણ દેશમાં જ થયું છે. સરકારની મદદથી ભારતીય વૈજ્ઞાનિકોએ માત્ર ૯ મહિનામાં કોવિડ-૧૯ રસી વિકસાવી છે.
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં ૫૧ APIનું ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે રૂ. ૧૪,૦૦૦ કરોડની પ્રોડ્યુસર લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી છે. હકીકતમાં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા લોકસભામાં ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧’ રજૂ કર્યા બાદ બોલી રહ્યા હતા તે દરમિયાન ઘણા સભ્યોએ દેશમાં ફાર્માસ્યુટિકલ સંશોધનને પ્રોત્સાહન આપવા અને સમયબદ્ધ રીતે વધુ સારા સંશોધન કેન્દ્રો સ્થાપવાની માંગ કરી હતી.વધુમાં માંડવીયાએ જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ બનવી જોઈએ, તેમાં સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના થઈ શકે. આ ઉદ્દેશ્ય સાથે આ બિલ પસાર કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના અબ્દુલ ખાલીકે બિલમાં કેટલાક સુધારા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સંબંધિત બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને સાંસદોને પણ તેમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સાંસદો જનપ્રતિનિધિ છે અને તેઓ મહત્વપૂર્ણ સૂચનો પણ આપી શકે છે. વધુમાં ખાલિકે કહ્યું હતું કે બોર્ડનું નેતૃત્વ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં નિપુણતા ધરાવતા વ્યક્તિ પાસે હોવું જોઈએ.
બીજેપીના રાજદીપ રોયે કહ્યું કે આ બિલ સંસ્થાઓને વધુ સત્તા આપે છે. આ સંસ્થાઓ પોતાનો અભ્યાસક્રમ ચલાવી શકે છે અને પરીક્ષાઓ યોજી શકે છે. તેમણે કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સભ્યોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને આ સંસ્થાઓ પણ IIT અને IIMની બરાબરી પર ઊભી રહી શકે.
તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોયે કહ્યું કે સરકારે આ સંસ્થાઓની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ સરકાર જાહેર ક્ષેત્રની સંસ્થાઓને ખાનગી હાથમાં સોંપી રહી છે. તે જ સમયે, YSR કોંગ્રેસના સંજીવ કુમારે કહ્યું કે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રિયા સુલેએ કહ્યું કે દેશમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ સરકારની કોઈ નીતિને કારણે નહીં પરંતુ રોગચાળાને કારણે પ્રગતિ કરી રહી છે. તેમણે કહ્યું કે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ રોગચાળા વિના વિકાસ કરવો જોઈએ, આવું હોવું જોઈએ.