જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના નેજા હેઠળ આજે સવારે બી.જે.મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરોએ એકઠા થયા હતા.પીજી પ્રવેશ ન થતા અને કાઉન્સેલિંગ વધુ પાછુ ખેંચાતા પ્રથમ વર્ષની બેચ ન આવી હોવાથી કામનુ ભારણ વધવાની ફરિયાદ સાથે આંદોલન પર ઉતરેલા બીજા અને ત્રીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટરોએ અગાઉ ૨૯મીએ એક દિવસની ટોકન સ્ટ્રાઈક પાડયા બાદ સરકારને જુનિયર ડોક્ટરો હંગામી ધોરણે હોસ્પિટલોમાં આપવા માંગ કરી હતી.હોસ્પિટલોએ પણ સરકારને રજૂઆત કરી હતી.
સરકારે કોઈ નિર્ણય ન લેતા ગઈકાલે રેસિડેન્ટ ડોક્ટરોએ અલ્ટીમેટમ આપ્યા બાદ આજે સવારથી તમામ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા.સવારથી સાંજ સુધીની ઓપીડી સેવા બંધ રાખ્યા બાદ સાંજ સુધી પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ન આવતા સાંજ બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ ઈમરજન્સી સેવા પણ બંધ કરી દીધી હતી અને હવે કોવિડ સેવા પણ ન કરવા માટે જાહેરાત કરી દીધી છે. સાંજે પણ મોટી સંખ્યામા રેસિડેન્ટ ડોક્ટરો એકઠા થયા હતા અને દેખાવો કર્યા હતા.બી.જે.મેડિકલ કોલેજ ઉપરાંત સુરત મેડિકલ કોલેજ,રાજકોટ મેડિકલ કોલેજ,સોલા સિવિલ મેડિકલ કોલેજ અને એનએચએલ મેડિકલ કોલેજોના પીજી સેકન્ડ-થર્ડ યર રેસિડેન્ટ આ હડતાળમાં જોડાયા છે. એક બાજુ જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સરકારે સરકારી હોસ્પિટલોમાં નવા કોવિડ વોર્ડ ઉભા કરવા તૈયારીઓ શરૃ કરી દીધી છે ત્યારે રેસિડેન્ટ ડોક્ટરોની આ ચોક્કસ મુદતની હડતાળથી કોવિડ સારવાર સાથે અન્ય રોગોની સારવારમા પણ મુશ્કેલી ઉભી થશે.પરંતુ હવે સરકાર હંગામી ધોરણે જુનિયર ડોક્ટરો ક્યાં સુધી નિમશે તે મોટો પ્રશ્ન છે.