દુષ્કર્મ/હત્યા: સુરતના પાંડેસરામાં ૧૦ વર્ષની બાળકીને દુષ્કર્મ બાદ ઈંટના ૭ ઘા મારનાર હેવાનને કોર્ટે દોષિત જાહેર કર્યો

સુરત શહેરમાં બાળકોને જાતીય શોષણનો શિકાર બનાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. આવી જ એક ઘટના ડિસેમ્બર ૨૦૨૦માં સુરતના પાંડેસરા વિસ્તારમાં બની હતી, આ ઘટનમાં એક હેવાને ૧૦ વર્ષની બાળકીને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. આ કેસમાં નરાધમ દિનેશ બૈસાણને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. આવનારી ૧૬ ડિસેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે.

લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણ વિરુદ્ધ પોલીસે પોલીસે ૧૫ દિવસમાં જ ૨૩૨ પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ ૪૫ જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, CCTV ફૂટેજ માટે FSL, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના…..
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકી તા.૦૭/૧૨/૨૦૨૦ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમી રહી હતી ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યાર બાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. આરોપીએ ઉશ્કેરાઇ જઈને બાળકીને માથા પર ઈંટના ૭ ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને ૪૫સાક્ષીની સરતપાસ તથા બચાવપક્ષે ઊલટતપાસની કાર્યવાહી પૂરી કરી હતી, જેથી આજે કોર્ટે આરોપી દિનેશ બૈસાણેને દોષિત જાહેર કર્યો હતો અને આગામી ૧૬ડિસેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *