શહેરમાં દિવાળી બાદ ચોરી લૂંટની ઘટનાઓ અવારનવાર બની રહી છે તેવામાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ રાજુ જાપાન નામની મોબાઈલની દુકાનમાંથી ૪૧ લાખ રૂપિયાના મોબાઇલની ચોરી થઇ છે. મળેલ માહિતી અનુસાર, શાસ્ત્રીનગર નજીકના મોબાઈલ શોપમાંથી ૧૬૮ મોબાઇલ ફોન પેનડ્રાઈવ તથા બ્લૂટૂથ અને અન્ય એસેસરીઝ મળી કુલ ૪૧ લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જે અંગે રાજુ જાપાન મોબાઈલના રાજેશ લાલ જાણીએ ફરિયાદ નોંધાવતા PI યુવરાજ સિંહ વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.
તે ઉપરાંત સોલામાં ગુલાબ ટાવર રોડ પરના સોમેશ્વર પાર્કમાં રહેતા અંકિત ભાઈ દરજી સાંતેજ GIDCમાં અંકિત ગ્રાફિક નામનું યુનિટ ધરાવે છે. તેમના પરિવારના તમામ સભ્યો લગ્નમાં ગયા હતા જ્યારે અંકિતભાઈ દરજી પોતાના કામથી બહાર ગયા હતા. કામ પૂરું કરીને ઘરે પહોંચ્યા ત્યારે અંદર જોયું તો ઘરની પાછળની બાજુથી દરવાજો તોડીને કોઈ ચોર ઘરમાં ઘૂસી ઘરમાં કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ ૧૭ લાખ રૂપિયાની મતાની ચોરી કરી ગયું હતું જે અંગે તેમણે તરત જ સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સોલા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર CCTV ફુટેજમાં ચોર નજરે પડી રહ્યો છે.