જગતના તાતની જીત: આશરે દોઢ વર્ષ બાદ ખેડૂતોની ઘર વાપસી

આશરે દોઢ વર્ષ સુધી ચાલેલું ખેડૂત આંદોલન પૂર્ણ થયા બાદ આજથી ખેડૂતો દિલ્હી બોર્ડર પરથી ઘરે પરત ફરી રહ્યા છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે લીલી ઝંડી  બતાવ્યા બાદ ખેડૂતોની ટુકડીઓ ટ્રેકટરોમાં ઘરે પરત થવા રવાના થઈ રહી છે. રાકેશ ટિકૈત જણાવ્યું કે, હજી બીજા ચાર દિવસ હું બોર્ડર પર રહેવાનો છું અને ૧૫ ડિસેમ્બરે ગાઝીપુર બોર્ડર છોડીને મુઝ્ઝફરનગર જવા રવાના થઈશ. ખેડૂતોનુ પહેલી ટુકડી સવારે ૮.૩૦ વાગ્યે રવાના થઈ હતી અને તે પછી હવે ખેડૂતો એક પછી એક ટ્રેક્ટરમાં પોતાનો સામાન ભરીને બોર્ડર છોડવાની તૈયારી કરી રહ્યા છે.

સરકારે કૃષિ કાયદો પરત ખેંચ્યા બાદ પણ MSPને લઈને ખેડૂતોએ આંદોલન ચાલુ રાખ્યુ હતુ .જોકે સરકારે લેખિતમાં ખેડૂતોની MSP સહિતની પાંચ માંગણીઓ માની લીધી હોવાથી ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. સરકારે ખેડૂતોને પત્ર લખીને જણાવ્યું હતું કે, MSP પર સરકારે કમિટી બનાવવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ખેડૂત આગેવાનો પણ સામેલ હશે.

ખેડૂતો પરના કેસો પાછા ખેંચવા માટે દરેક રાજ્ય સરકારે સંમતિ આપી હોવાનુ પત્રમાં સરકારે કહ્યુ છે અને સાથે સાથે ભારત સરકાર સાથે જોડાયેલી એજન્સીઓ અને દિલ્હી પોલીસ પણ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચશે. સબંધિત રાજ્ય સરકારોએ મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર આપવા માટે પણ સંમતિ આપી દીધી છે.

સરકારે પત્રમાં કહ્યું હતું કે, સંસદમાં રજૂ થનારા વીજ બિલમાં ખેડૂતો પર અસર કરે તેવી જોગવાઈઓ પર પહેલા ખેડૂતો સાથે અને બીજા સબંધિત પક્ષો સાથે ચર્ચા થશે અને એ પછી જ બિલ સંસદમાં રજૂ કરાશે. તે ઉપરાંત સરકારે પત્રમાં એવુ પણ કહ્યુ છે કે, પરાળી સળગાવવાના મામલામાં ખેડૂતો સામે કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે.આમ ખેડૂતોની જે પાંચ માંગણીઓ છે તેનુ સમાધાન કરવામાંઆવ્યુ છે ત્યારે હવે આ આંદોલન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.સરકાર ખેડૂતોને અનુરોધ કરે છે કે, આંદોલન પુરુ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *