ગુજરાત રાજ્યમાં ફરી એક વખત પેપર લીક (GSSSB head clerks exam paper leaked)થવાનો આરોપ લાગ્યો છે. ગયા રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્કની 189 જગ્યા માટે પરીક્ષા યોજી હતી જે પેપર એક દિવસ પહેલા લીક થયું હતું. પેપર 10 થી 12 લાખ રૂપિયામાં વેચાણ થયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
ગત ૧૨ ડિસેમ્બરે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવી વાત વહેતી થઇ હતી કે પેપર લીક થયું છે. આ પેપર જે ૧૨ તારીખે લેવામાં આવ્યું હતું તે એક દિવસ પહેલા જિલ્લાના સ્ટ્રોંગરૂમમાં આવી ગયું હતું. તેને કારણે શનિવારે રાત્રે ૯ કલાકે હિંમતનગરના પુસા ગામે આવેલ ફાર્મહાઉસમાં ૧૬ જેટલા વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા હતા. જેમાં પેપર સોલ કરવા માટે નિરીક્ષકને પણ રાખવામાં આવ્યા હતા. અલગ-અલગ પુસ્તકો પણ આપવામાં આવી હતી ત્યારબાદ આ પેપર અલગ-અલગ જિલ્લામાં જેમા સુરેન્દ્રનગર, વડોદરા, ભાવનગર પહોંચ્યું હતું.
હેડ ક્લાર્ક માટે કુલ ૨ લાખ ૪૧ હજાર ૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી. ૭૮૨ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરના કેન્દ્રો પર બપોરે 12થી 2 પરીક્ષા લેવાઇ હતી.