ગુજરાતના બેટસમેન પ્રિયાંક પંચાલનો ભારતની ક્રિકેટ ટીમમાં સમાવેશ

સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડેની શ્રેણી રમવા જનારી ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા આજે મોડી સાંજે ડાબા સાથળના સ્નાયુની ઇજાને લીધે અનફિટ જાહેર થતા તેના સ્થાને પ્રિયાંક પંચાલને ટીમ સાથે જોડાવવા ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે.

પ્રિયાંક પંચાલે હજુ થોડા દિવસો પહેલા જ સાઉથ આફ્રિકા એ સામે ભારત એ ટીમના કેપ્ટન તરીકે ટીમને લઇને પ્રવાસ ખેડયો હતો જેમાં પ્રથમ ટેસ્ટમાં ઓપનર તરીકે તેણે 171 બોલમાં 14 ચોગ્ગા સાથે 96 રન ફટકાર્યા હતા.

31 વર્ષીય પ્રિયાંક પંચાલ ઘરઆંગણાના ક્રિકેટમાં 2003-2004 થી અંડર-15ની ગુજરાત ટીમથી છેક અત્યાર સુધી તમામ ફોર્મેટમાં ધરખમ રન ખડકી ચૂકયો છે. એક રણજી સિઝનમાં 1000 રન ફટકારનાર કે ત્રેવડી સદી ફટકારનાર તે ગુજરાતનો એક માત્ર ખેલાડી છે. પાર્થિવ પટેલના નેતૃત્વમાં ગુજરાત 2016-2017માં રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યો તે વર્ષે 10 મેચોમાં 1310 રન સાથે મોટુ યોગદાન હતું.

અમદાવાદમાં જન્મેલ પ્રિયાંક પંચાલ શહેરની જ હિરામણી સ્કુલમાં જ કિશોર વયે તૈયાર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *