દેશમાં ઓમીક્રોનના કેસોમાં ધીમે પગલે વધારો થઇ રહ્યો છે.તેવામાં દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના વધુ ૪ નવા કેસ નોંધાયા છે. આ સાથે દિલ્હીમાં હવે ઓમિક્રોનના કુલ ૬ કેસ થયા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે ઓમિક્રોન વેરિયન્ટના ૨ નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં કેસનો આકડો ૨૦ સુધી પહોચ્યો છે. દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના સૌથી વધુ કેસ માત્ર મહારાષ્ટ્રમાં જ છે. તે ઉપરાંત, ગુજરાતના સુરત શહેરમાં ૧ ઓમિક્રોનના કેસની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત ઓમીક્રોનના કેસ રાજસ્થાનમાં ૯ કેસ, કર્ણાટકમાં ૩, ગુજરાતમાં ૪, કેરળમાં ૧, આંધ્રપ્રદેશમાં ૧, અને ચંદીગઢમાં ૧ કેસ નોંધાયા છે. આ સાથે, દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસની સંખ્યા ૪૫ પર પહોંચી છે.
રવિવારે ૫ રાજ્યોમાં ૫ નવા કેસ મળી આવ્યા હતા. કેરળના કોચીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ ૬ ડિસેમ્બરે યુકેથી કોચી પરત આવ્યો હતો. ૮ ડિસેમ્બરે કરાયેલા કોવિડ ટેસ્ટમાં તે પોઝિટિવ આવ્યો હતો. જ્યારે, તેની પત્ની અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો અને કર્ણાટકમાં ત્રીજા કેસની પુષ્ટિ થઈ હતી. ચંદીગઢ અને આંધ્રપ્રદેશમાં પણ ઓમિક્રોનના નવા કેસ સામે આવ્યા હતા.