વડોદરા શહેરમાં બે ભાઈઓએ ડીપ્રેશનમાં આવીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતા શિક્ષક દંપતીના જોડિયા પુત્રોએ ડિપ્રેશનમાં પોતાના સ્ટડી રૂમમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં એક ભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. અને બીજા ભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી. પોલીસે આ ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નોકરી ઉપરથી સાંજે ઘરે આવેલા માતા-પિતાએ બંને પુત્રોને સ્ટડી રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોતા અચંબિત થઇ ગયા હતા. આ દરમિયાન રીહાનના ગળામાંથી ગાળીયો છૂટી જતા તે નીચે પડી ગયો હતો અને તે બચી ગયો હતો. માતા-પિતાનો રોવાનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા અને પંખા ઉપર લટકેલા બંને ભાઇઓને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા બાદ ફરજ પરના તબીબોએ બે પૈકી રૂપેનને મૃત જાહેર કર્યો અને બેભાન રીહાનની ઘનિષ્ઠ સારવાર શરૂ કરી હતી.
આ ઘટનાની જાણ લક્ષ્મીપુરા પોલીસને થતાં PSI આર.કે. ગોસાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જોડિયા ભાઇઓ રૂપેન અને રીહાન કારેલીબાગ વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં ધો-૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે અને છેલ્લા બે દિવસથી તેઓની નીટની પરીક્ષા ચાલતી હતી. પરીક્ષા આપીને ઘરે પરત ફર્યા બાદ બંને ભાઇઓએ ગળેફાંસો ખાઇ લીધો હતો.
PSI આર.કે. ગોસાઇના જણાવ્યા અનુસાર, પરીક્ષાના રીઝલ્ટને લઇને ડિપ્રેશનમાં આવી ગયા હોવાના કારણે બંને ભાઇઓએ સાથે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. જોકે, જોડિયા ભાઇઓના આપઘાતનું ચોક્કસ કારણ તપાસ બાદ બહાર આવશે. હાલ આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.