કેન્દ્ર સરકારે છોકરીઓ માટે લગ્નની કાયદેસરની વય છોકરાઓને સમાંતર લાવીને ૧૮થી વધારીને ૨૧ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, નિષ્ણાતોએ સરકારના આ નિર્ણય અંગે ચેતવણી આપી છે અને કહ્યું કે સરકારનું આ પગલું બાળલગ્નોનું દૂષણ દૂર કરવાના બદલે લક્ષણોની સારવાર કરવા જેવું છે. કેન્દ્રીય કેબિનેટે છોકરા અને છોકરીઓ માટે લગ્નની વયમાં સમાનતા લાવવાની દરખાસ્તને બુધવારે મંજૂરી આપી હતી. હવે શિયાળુ સત્રમાં સરકાર ૪૩ વર્ષ પછી લગ્ન અંગેના વર્તમાન કાયદાઓમાં સુધારો કરશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કેબિનેટની મંજૂરી મળી ગયા પછી હવે સરકાર શિયાળુ સત્રમાં બાળ વિવાહ પ્રતિબંધ કાયદો, ૨૦૦૬માં સુધારો કરવા હાલ ચાલી રહેલા શિયાળુ સત્રમાં એક બિલ રજૂ કરે તેવી સંભાવના છે. સૂચિત બિલમાં લગ્નની વય એક સમાન કરવા માટે વિવિધ સમાજોના લગ્ન સંબંધિત વિવિધ પર્સનલ કાયદાઓમાં પણ ફેરફાર કરાય તેવી શક્યતા છે. સરકારે સમતા પક્ષના ભૂતપૂર્વ વડા જયા જેટલીના અધ્યક્ષપદે ચાર સભ્યોની એક ટાસ્ક ફોર્સની ભલામણના આધારે આ નિર્ણય કર્યો છે.
માતૃત્વની વય સંબંધિત બાબતો, માતૃ મૃત્યુદરને ઘટાડવા, પોષણ સ્તરમાં સુધારો કરવા અને સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા આ ટાસ્ક ફોર્સ રચાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વયમાં સુધારો કરવા સરકાર વિચારણા કરી રહી હોવાનું જણાવ્યાના એક વર્ષ પછી આ નિર્ણય લેવાયો છે.
જયા જેટલીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક ક્ષેત્રમાં લૈંગિક સમાનતા અને સશક્તિકરણની વાતો થઈ રહી છે ત્યારે લગ્નમાં પણ એવું થવું જોઈએ. એક છોકરી ૧૮ વર્ષે જ લગ્ન યોગ્ય થઈ શકે છે જ્યારે આ જ કારણથી તેની કોલેજ જવાની તકો ખતમ થઈ જાય છે. બીજીબાજુ છોકરા પાસે જીવન અને આજિવિકા માટે તૈયાર થવા ૨૧ વર્ષની વય સુધી તકો હોય છે. છોકરીઓને પણ રોજગારી અને પુરુષોને સમાન થવાની તકો મળવી જોઈએ.
જોકે, ઓક્સફામ ઈન્ડિયાના જેન્ડર જસ્ટિસના અગ્રણી સ્પેશિયાલિસ્ટ અમિતા પિત્રેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સરવે (એનએફએચએસ -૫)ના અહેવાલમાં દર્શાવાયું છે કે દેશમાં છોકરીઓના ૧૮ વર્ષથી ઓછી વયે થતા લગ્નોનું પ્રમાણ ૨૭ ટકાથી ઘટીને ૨૩ ટકા થયું છે. જોકે, ૨૧ વર્ષની વય પહેલાં છોકરીઓના લગ્નનું પ્રમાણ હજુ પણ ૫૦થી ૬૦ ટકા જેટલું ઉંચું છે. છેલ્લે ૧૯૭૮થી છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય ૧૮ વર્ષ છે. જોકે, દેશમાં બાળલગ્નો અટકાવવા માટે એકલો કાયદો સફળ થતો નથી. ઉચ્ચ અને મધ્યમ વર્ગમાં છોકરીઓ ૨૧ વર્ષથી વધુ વય પછી લગ્નો કરી રહી છે અને આ કાયદા વિના થઈ શક્યું છે.
મહિલા અને બાળ અધિકાર કાર્યકરો, પરિવાર નિયોજનના નિષ્ણાતો સહિત અનેક લોકોનું માનવું છે કે આવા કાયદાની હાશિયામાં ધકેલાયેલા સમાજો પર ખરાબ અસર પડે છે અને અનુસૂચિત જાતિ, જનજાતિને આ કાયદો તોડવા ફરજ પડે છે. દેશમાં બાળલગ્નોમાં ઘટાડાનું મહત્વનું કારણ કાયદો નહીં, પરંતુ છોકરીઓ માટે શિક્ષણ અને રોજગારીની તકોમાં વધારો છે. પાર્ટનર્સ ફોર લો ઈન ડેવલપમેન્ટ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મધુ મહેરાએ જણાવ્યું હતું કે, છોકરીઓ માટે લગ્નની વય વધારીને ૨૧ કરવાથી તેમને પોતાના અંગત જીવનના નિર્ણયો લેવા માટે વધુ સમય માટે રાહ જોવી પડશે. ભારતીય પરિવાર અને સમાજને પણ આ સંદર્ભમાં આપણે સમજવો પડશે.
દેશમાં વસતી નિયંત્રણ માટે કાયદામાં ફેરફારની શક્યતા
છોકરીઓની લગ્નની વય વધારવા અંગે એમ પણ કહેવાય છે કે તેમના લગ્ન મોડા થશે તો તેમને ઉચ્ચ શિક્ષણ અને નોકરીની તકો મળશે અને તેઓ થોડીક વધુ વયે માતા બનશે. તેનાથી વસતી નિયંત્રણમાં પણ મદદ મળશે, પરંતુ સરકારનું કહેવું છે કે આ પગલાને વસતી નિયંત્રણ સાથે કોઈ લેવા દેવા નથી. આ પગલું માત્ર મહિલા સશક્તિકરણના આશયથી લેવાઈ રહ્યું છે. જયા જેટલીએ પણ કહ્યું હતું કે, તેમની ભલામણનો આશય માત્ર મહિલા સશક્તિકરણ જ છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સરવેના તાજા આંકડા જણાવે છે કે કુલ જન્મદર ઘટી રહ્યો છે અને વસતીની સંખ્યા નિયંત્રણમાં જ છે.
છોકરીઓની લગ્નની વય વધારવા ટાસ્ક ફોર્સના સૂચનો
જયા જેટલીના નેતૃત્વમાં ટાસ્ક ફોર્સે દેશની ૧૬ યુનિવર્સિટીઓના યુવાનોના ફીડબેકના આધારે છોકરીઓ માટે લગ્નની વય વધારવાનું સૂચન કર્યું છે. ટાસ્ક ફોર્સના રિપોર્ટ મુજબ છોકરીઓના લગ્નમાં વિલંબધી પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજ માટે સકારાત્મક આર્થિક અને સામાજિક અસર પડે છે. લગ્નની વય વધવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. જોકે, લગ્નની વય ૧૮થી વધારીને ૨૧ કરવાનું કામ તબક્કાવાર કરવું જોઈએ. જેથી રાજ્યોને પાયાના સ્તરે કામ કરવા માટે પર્યાપ્ત સ્વતંત્રતા અને સમય મળી રહે. સરકારે છોકરીઓ માટે સ્કૂલ-કોલેજની સંખ્યા વધારવી જોઈએ અને અંતરિયાળ વિસ્તારોમાં છોકરીઓને સ્કૂલ સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા થવી જોઈએ. છોકરીઓને સ્કિલ અને બિઝનેસ ટ્રેનિંગની સાથે સેક્સ એજ્યુકેશન પણ આપવાનું સૂચન ટાસ્ક ફોર્સે કર્યું હતું.