આજે અટલ બિહારી વાજપેયીની 97મી જન્મ જયંતી ; જાણો તેમના જીવન વિશે

દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને લોકો તેમની જન્મ જયંતી નિમિત્તે યાદ કરી રહ્યા છે. આજે ભલે તે આપણી વચ્ચે નથી પરંતુ તે પોતાની દેશસેવા, જન સેવા અને પોતાની રચનાઓના માધ્યમથી દરેક ભારતવાસીના દિલમાં જીવીત છે. ભારતીય રાજનીતિમાં સુશાસનનો વારસો છોડનારા અટલ બિહારી વાજપેયી 1996, 1998 અને ફરી 1999 થી 2004 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીને સુશાસન દિવસ તરીકે ઉજવે છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં 25 ડિસેમ્બર 1924 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના બટેશ્વર ગામે થયો હતો. તેઓ ભારતીય જનસંઘના સંસ્થાપકોમાંથી એક હતા અને 1968 થી 1973 સુધી તેના અધ્યક્ષ પણ રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી પદે રહેતા રાજસ્થાનના પોખરણમાં વર્ષ 1998 માં 11 મે અને 13 મે ના રોજ પરમાણુ પરીક્ષણ કરી આપણા દેશને પરમાણુશક્તિ સંપન્ન દેશ બનાવ્યો. તેમના યોગદાન અને અસાધારણ કાર્યો માટે 2015 માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

 

 

આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમના સ્મારક સ્થળે પુષ્પ અર્પિત કરીને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *