સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આગામી ૨૮ ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
માવઠાની અસરને પગલે અનેક જિલ્લામાં સોમવારથી વાદળછાયું વાતાવરણ થઇ જાય તેની સંભાવના છે. ૨૮ ડિસેમ્બરે માવઠાની અસર ઓછી થતાં જ રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, ત્યારબાદ તાપમાન ૨-૪ ડિગ્રી ગગડતાં ઠંડીમાં પુનઃ વધારો થઇ જશે. ગત રાત્રિએ નલિયામાં ૧૩ ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ૧૫ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી હતું. અમદાવાદમાં ૨૮થી ૩૦ ડિસેમ્બર દરમિયાન લઘુતમ તાપમાન ૧૧થી ૧૩ ડિગ્રી વચ્ચે નોંધાતા કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યમાંથી અન્યત્ર વડોદરામાં ૧૫.૨, ભાવનગરમાં ૧૭.૬, ભૂજમાં ૧૬.૫,ડીસામાં ૧૪.૮, રાજકોટમાં ૧૬.૬ અને સુરતમાં ૧૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.