રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ૨૫ મી ડીસેમ્બરથી ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવાનું નકકી કરેલ છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ઇન્દીરા મેદાનમાં રાજય કક્ષાના મંત્રી કુબેરભાઇ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલોપમેન્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય મંત્રી અને મહાનુભાવોના હસ્તે લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ૩પ.૭૪ લાખના અને બાલાસિનોરમાં રૂપિયા 51 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, અધિક નિવાસી કલેકટર, અગ્રણીઓ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ’ અંતર્ગત શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂ. ૬૦ કરોડના ખર્ચે સાકારિત થનાર લોક વિકાસ કાર્યોનું ડિજિટલી ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર સંવર્ગના ૧૧ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલોપમેન્ટ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામોની સિદ્ધિઓને પ્રજા સમક્ષ વર્ણવી હતી, સાથે શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરના 43.86 લાખના RCC રસ્તાના 11 કામોનું ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ફળવાયેલ ગ્રાન્ટમાંથી 103.98 લાખના ખર્ચે છોટાઉદેપુર નગરમાં નવ નિર્મિત આશ્રય સ્થાન ઈવા શેલ્ટરહોમનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ રાઠવા, રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ નારણભાઇ રાઠવા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સુશાસન દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજના થકી લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. મંત્રી કિરીટસિંહ રાણાએ પોતાના વક્તવ્યમાં સરકારની વિવિધ યોજનાઓ થકી જિલ્લાના વિવિધ તાલુકાના વિસ્તારમાં વિકાસના કરવામાં આવેલ કામો તેમજ આગામી દિવસોમાં આવનાર કામોની વિગતો આપી હતી. સાથે જ નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન યોજના અંતર્ગત રોજગારલક્ષી તાલીમ પૂર્ણ કરેલ તાલીમાર્થીઓને સરકાર માન્ય પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સાથે PMAY અર્બન યોજનાના BLC ઘટક હેઠળ બની રહેલા આવાસો માટે લાભાર્થીઓને મંજુરી પ્રમાણપત્રો તથા પ્રથમ હપ્તો ફાળવેલ સહાયનું પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.