કાનપુરઃ અત્તરના વ્યાપારી પીયૂષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત

યુપીમાં કન્નૌજ ખાતે અત્તરના કારોબારી પીયૂષ જૈનની ટેક્સ ચોરીના આરોપસર કાનપુર ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે. જીએસટી ઈન્ટેલિજન્સ દ્વારા આ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવામાં આવે તેવી શક્યતા છે. દરોડા દરમિયાન અત્યાર સુધીમાં તેના પાસેથી 257 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે.

જીએસટી અધિકારીઓના કહેવા પ્રમાણે જૈનની સીજીએસટીની કલમ 69 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. એજન્સીઓની કાર્યવાહી દરમિયાન કારોબારી જૈનના ઘરની અંદરથી ભોંયરૂ મળ્યું હતું અને એક ફ્લેટમાંથી 300 ચાવીઓ પણ મળી હતી. જોકે આ અંગે સત્તાવાર જાણકારી આવવાની બાકી છે.

કાનપુરના મોટા ભાગના પાન મસાલા મેન્યુફેક્ચરર્સ પીયૂષ જૈન પાસેથી જ પાન મસાલા કમ્પાઉન્ડ ખરીદે છે. આ બધા વચ્ચે રવિવારે કારોબારીના કન્નૌજ સ્થિત પૂર્વજોના ઘરમાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો.

DGGI અને IT વિભાગની કાર્યવાહી

ડીજીજીઆઈ અને આવકવેરા વિભાગની ટીમે ગુરૂવારે કન્નૌજના અત્તરના કારોબારી પીયૂષ જૈનના કાનપુરવાળા ઘરે દરોડો પાડ્યો હતો. તે વખતે કબાટોમાંથી એટલા રૂપિયા મળ્યા હતા કે, નોટ ગણવાના મશીનો લાવવા પડ્યા હતા. કુલ 8 મશીનની મદદ વડે પૈસા ગણવામાં આવ્યા હતા.

જૈન સુધી કઈ રીતે પહોંચી એજન્સીઓ

હકીકતે અમદાવાદની ડીજીજીઆઈ ટીમે એક ટ્રક પકડ્યો હતો. તે ટ્રકમાં જઈ રહેલા સામાનોનું બિલ બોગસ કંપનીઓના નામે બનાવવામાં આવેલું હતું. તમામ બિલ 50,000 કરતાં ઓછા રૂપિયાના હતા જેથી E-way Bill ન બનાવવું પડે. ત્યારબાદ ડીજીજીઆઈએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરના ત્યાં દરોડો પાડ્યો હતો જ્યાંથી આશરે 200 જેટલા બોગસ બિલ મળ્યા હતા. ત્યાંથી ડીજીજીઆઈને પીયૂષ જૈન અને નકલી બિલનું કોઈક કનેક્શન જાણવા મળ્યું હતું.

ત્યાર બાદ ડીજીજીઆઈએ કારોબારી પીયૂષ જૈનના ઘરે દરોડો પાડ્યો હતો. અધિકારીઓને જૈનના ઘરમાં કબાટોમાં નોટોના બંડલ મળી આવ્યા હતા જેથી આવકવેરા વિભાગને સૂચના આપવામાં આવી હતી અને ત્યારથી આ કાર્યવાહી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *