આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6,531 દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,141 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 315 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. આ સાથે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયેન્ટની ભારતમાં સ્થિતિના આંકડા જોઈએ તો ભારતમાં ઓમિક્રોનના કુલ 578 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 151 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. હાલ દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 75,841 પર પહોંચી છે જે માર્ચ 2020 પછી દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે. જે 1 ટકા કરતાં પણ ઓછા 0.22 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,52,935 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 6,531 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 67.29 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે.
દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 141.70 કરોડથી વધારે ડોઝ અપાયાઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,42,37,495 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશનો રિકવરી રેટ વધીને 98.40 ટકા પર પહોંચ્યો છે. રોજનો પોઝિટિવિટી રેટ ઘટીને 0.87 ટકા થયો છે જે 84 દિવસમાં સૌથી ઓછો છે.